કેન્દ્રએ ગુજરાતમાં છેલ્લા સાડા ચાર વર્ષમાં ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડ યોજના અન્વયે ૧૮૦૦ કરોડ ફાળવ્યા હતા જેના પગલે સમગ્ર ટેક્સટાઇલ ક્ષેત્રમાં સાડા ત્રણ વર્ષમાં ૩૦,૦૦૦ કરોડનું મૂડીરોકાણ આવ્યું છે તેમ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીએ આજે ટેક્સટાઇલ અંગેના સેમિનારમાં જણાવ્યું છે. વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે ટેક્સટાઇલ સેમિનારમાં કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે ગુજરાતનું ટેક્સટાઇલ સેક્ટર ન્યૂ ઇન્ડિયાના નિર્માણમાં આગામી દિવસોમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. કેન્દ્ર સરકાર ગુજરાત સહિત દેશભરમાં ટેક્સટાઇલના વિકાસ અને નિકાસને વધુ વેગ આપવા માટે કટીબદ્ધ છે, એટલું જ નહીં અનેક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.
સેમિનાર દરમિયાન સ્મૃતિ ઇરાનીએ ગુજરાતની નવી ટેક્સટાઇલ પોલિસી કે જેમાં ધિરાણમાં રાહતો આપવા અંગે નવા સુધારા કરવામાં આવ્યા છે તે બુકલેટનું પણ વિમોચન કર્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતની નવી ટેક્સટાઇલ નીતિથી રાજ્યમાં આ સેક્ટર વિકાસ કરશે, એ સાથે રોજગારીની નવી તકો ઉભી થશે. બીજી તરફ ટેક્સટાઇલ ઉદ્યોગકારોને સરળતાથી ધિરાણ મળશે.
એસોચેમના ચેરમેન બી.કે.ગોયેન્કાએ સેમિનારમાં કહ્યું હતું કે છેલ્લા સાત વર્ષમાં ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરમાં ૩૫૦૦૦ કરોડથી વધુ મૂડીરોકાણ આવ્યું છે, જે દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં સૌથી વધારે છે. વધુ રોકાણ આવવાનું કારણ એ પણ છે કે રાજ્યમાં ઔદ્યોગિક શાંતિ અને કામદારોની સલામતી છે.