કર્ણાટકમાં કોંગ્રેસનું સંકટ હજુ પણ ટળ્યું નથી. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં ગેરહાજર રહેલા પાર્ટીના ચારા ધારાસભ્યો હજુ સુધી સપાટી ઉપર આવ્યા નથી. એમ માનવામાં આવે છે કે આ ચારેય ધારાસભ્યો કોઈપણ સમયે ભાજપની છાવણીમાં જઈ શકે છે. બીજી બાજુ સંકટને ટાળવા માટે જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારમાં કોંગ્રેસના અનેક વરિષ્ઠ મંત્રીઓના રાજીનામાના પ્રસ્તાવ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે રાજકીય સ્થિતિ ઉપર ચર્ચા કરવા માટે આજે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં તમામ મુદ્દાઓ છવાઈ ગયા હતા. કોંગ્રેસ પાર્ટીએ ધારાસભ્ય રમેશ જારકીહોલી અને મહેશ કુમાતંલીને પક્ષપલટા કાયદા હેઠળ કારણદર્શક નોટિસ જારી કરીને ચુંટાયેલા ધારાસભ્યોની મેમ્બરશીપને રદ કરવા તૈયારી હાથ ધરી છે. કોંગ્રેસી સૂત્રોનું કહેવું છે કે આ પુરવાર કરવા માટે પુરતા પુરાવા છે કે બંનેએ બેઠકમાં સામેલ નહીં થઈને આદેશનો ભંગ કર્યો છે.
આની સાથે સાથે આ બેઠકમાં સામેલ ન થનાર અન્ય બે ધારાસભ્યો ઉમેશ જાધવ અને બી. નાગેન્દ્ર ઉપર પાર્ટીએ હજુ રાહ જોવાનો નિર્ણય કર્યો છે. જાધવ પણ ભાજપની છાવણીમાં જવાના તૈયારીમાં છે કારણ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જનુ ખડગેની સામે કલબુરગી લોકસભા સીટ પર પાર્ટી તેમને ટિકિટ આપી શકે છે. તેઓએ પોતાના પત્રમાં ટેકનિકલ આધાર ઉપર બેઠકમાં ભાગ નહીં લેવાને લઈને વાત કરી હતી. પાર્ટીમાં ચાલી રહેલા સંકટ વચ્ચે રાજ્યના કેબિનેટ મંત્રી ડીકે શિવકુમારે કહ્યું હતું કે પાર્ટીના હિતમાં કેટલાક વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને પોતે ગઠબંધન સરકારમાં પોતપોતાના મંત્રી પદથી રાજીનામું આપવા તૈયાર છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં મતભેદોને ખતમ કરવા માટે વરિષ્ઠ મંત્રીઓના રાજીનામાના વિકલ્પ પર ચર્ચા થઈ હતી. કર્ણાટક કોંગ્રેસમાં ખેંચતાણ હજુ લાંબી ચાલે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલી વધારી દીધી છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને જાળવી રાખવા માટે ભારે મુશ્કેલી અનુભવી રહી છે. આ તમામ ઘટનાક્રમના દોર વચ્ચે હરિયાણાના ગુરુગ્રામની પાસે એક ફાઈવ સ્ટાર હોટલમાં આશરે એક સપ્તાહ ગાળ્યા બાદ ગઈકાલે મોડી રાત્રે ભાજપના ધારાસભ્યો બેંગલોર પરત ફર્યા હતા. બીજી બાજુ કોંગ્રેસના જે ધારાસભ્યો કર્ણાટકના રિસોર્ટમાં રોકાયેલા છે તેઓ બેંગલોર જવા માટે રવાના થઈ રહ્યા છે. યેદીયુરપ્પાએ ધારાસભ્યોને પોતપોતાના ક્ષેત્રોમાં ધ્યાન આપવા માટે સૂચના આપી છે.