નોટબંધી એ બ્લેક મનીને વ્હાઇટ કરવાનું દેશનું સૌથી મોટુ કૌભાંડ હતું પરતુ નોટબંધીના ભાજપના કૌભાંડની તપાસ જ નથી થઇ એ મતલબના ગંભીર આરોપો લગાવી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ નોટબંધી પહેલા ભાજપ અને તેના નેતાઓ દ્વારા કેટલા કરોડની સંપત્તિ ખરીદાઇ ? તે સહિતના ૧૧ પ્રશ્નો અંગે જવાબો માંગી આ મુદ્દાઓ પર નિષ્પક્ષ અને ન્યાયી તપાસની ઉગ્ર માંગણી કરી છે. સૂરજેવાલાએ આ પ્રશ્નો દ્વારા વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. સૂરજેવાલાએ મોદી સરકાર અને ભાજપની તીખી આલોચના કરતાં જણાવ્યું હતું કે, નોટબંધીના કારણે ગરીબ અને સામાન્ય વ્યકિત મરી ગયો, ચોરોએ તેમનું તમામ કાળુ નાણું સફેદ કરી નાંખ્યું. કાળા નાણાંને સફેદ કરવાની સ્કીનું બીજું નામ નોટબંધી હતું. સૂરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, સૂટબૂટવાળા બાદશાહ અને તેમના મિત્ર અમિત શાહ ગુજરા ચૂંટણીમાં નોટબંધીના ફેંસલા પર બણગાં ફૂૂંકી રહ્યા છે પરંતુ સામાન્ય ગુજરાતી અને દેશવાસીઓ રોજગાર અને રોટી ગુમાવી દીધાની પીડા પોતાના આંસુઓ સાથે સહન કરી રહ્યા છે. ૭૦ વર્ષોમાં પહેલી વાર કોઇ શાસકે પૈસાની લેણ દેણ કરવાવાળા ૧૩૦ કરોડ લોકોને અપરાધી ઘોષિત કરી દેવાયા. પરંતુ વાસ્તવિકતા એ છે કે, ન તો કાળુ નાણું પકડાયુ, ન તો નકલી નોટો, ન ઉગ્રવાદ ખત્મ થયો કે ન નકસલવાદ. હાં..ઉલ્ટાનું દેશની અર્થવ્યવસ્થા, ધંધા અને રોજગારને રૂ.ત્રણ લાખ કરોડનું નુકસાન થયું. ૧૪મી સદીના શાસક મહંમદ તુખલઘે નોટબંધીનું ફરમાન જારી કર્યું હતું એ પછી ૮નવેમ્બર, ૨૦૧૬ના રોજ આજના તાનાશાહ બાદશાહ(મોદી)એ નોટબંધીનું ફરમાન જારી કરી સમગ્ર દેશ અને ગુજરાતને બરબાદ કરી નાંખ્યા.