બગદાણામાં ગુરૂવારે પૂ. બાપાની પુણ્યતિથી ઉજવાશે

1282

સુપ્રસિધ્ધ તિર્થસ્થળ ગુરૂઆશ્રમ બગદાણા ખાતે સંત પૂ. બજરંગદાસબાપાની ૪રમો પુણ્યતિથિ મહોત્સવ ધામધૂમ પુર્વક ઉઝવાશે. આગામી તા. ર૪ને ગુરૂવારના રોજ ભક્તિમય માહોલ વચ્ચે હજારી દર્શનાર્થીઓની સામેલગીરી સાથે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

આ વર્ષના પૂણ્યતિથિ મહોત્સવના ઘોષિત થયેલા કાર્યક્રમો મુજબ વહેલી સવારના પ થી પ.૩૦ કલાક સુધીમાં મંગલાઆરતી થશે. ધ્વજાજીના પુજનવિધિ સવારના ૭-૩૦ થી ૮-૧પ કલાક સુધી જયારે ધ્વજારોહણ સવારના ૮.૧પ થી ૮-૩૦ કલાક સુધીમાં યોજાશે. તેમજ મહિમાપુર્ણ ગુરૂપુજન સવારના ૮-૩૦ થી ૯-૩૦ કલાક દરમિયાન થશે. ઉપરાંત પ્રતિવર્ષ આ મહોત્સવ વેળાએ યોજાતી પૂ.બાપાની નગરયાત્રાનું ગુરૂઆશ્રમ ખાતેથી સવારના ૯-૩૦ કલાકે પ્રસ્થાન થશે. જે નગરયાત્રા બગદાણા ગામમાં ફરશે બાદમાં મહાપ્રસાદ વિતરણ સવારના ૧૦ કલાકથી અવિરત શરૂ રહેશે.

પ્રસાદ વિતરણ વ્યવસ્થા માટે ગોપાલગ્રામ ખાતે ભાઈઓ માટે તથા આશ્રમ પરિસર નજીકના નવા રસોડા વિભાગ ખાતે બહેનો માટે અલગ-અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અહીં બન્ને ભોજન શાળા ખાતે પરંપરાગત રીતે સૌને પંગતમાં બેસીને પ્રસાદ વિતરણ થશે.

આ ૪રમી પુણ્યતિથિ મહોત્સવમાં બગદાણા ધામ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો – યાત્રાળુજનો પધારવાના હોય ગુરૂ આશ્રમ ખાતે તમામ આગોતરી વ્યવસ્થાઓને આખરી ઓપ અપાય રહ્યો છે. અહીં અલગ-અલગ વિભાગોમાં સ્વયં સેવકોને સેવા કામગીરી સોંપવામાં આવી છે. તમામ વિભાગોમાં ગુરૂઆશ્રમના ખાસ સ્વયંસેવકો બહેનો અને ભાઈઓ સેવા પુરી પાડશે.

આ ઉપરાંત આ દિવસની ખાસ વ્યવસ્થાઓ અને આગોતરા આયોજનના ભાગરૂપે ગત તા. ૧પને મંગળવારે ગુરૂ આશ્રમ ખાતે અલગ-અલગ સરકારી વિભાગો અને તેના અધિકારીઓ સાથે ગુરૂ આશ્રમના ટ્રસ્ટી મંડળ સાથે કાર્ય સંકલન માટે બેઠક યોજાઈ હતી.

અત્રે બગદાણા ધામે પહોચવા માટે એસ.ટી. બસ વિભાગ દ્વારા તળાજા-મહુવા – પાલિતાણા – ભાવનગર ડેપો ખાતેથી ખાસ બસો દોડાવવાની વ્યવસ્થા પણ થઈ હોવાનું જાણવા મળેલ છે. આજે ગુરૂ આશ્રમ ખાતે બાપાની પુણ્યતિથિ મહોત્સ્વની ભાવ અને શ્રધ્ધાભેટ ઉજવણી કરવાનો ધમધમાટ જોવા મળ્યો હતો. સૌ કાર્યકરો – સ્વયંસેવક સહિતના પૂર્વ તૈયારીઓ અને આયોજનમાં જોડાયા છે. ગુરૂ આશ્રમ પરિસરના તમામ દેવાલયો વીજળીની રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે. તેમજ બાપાના ગાદી મંદિરને વિવિધ ફુલો વડે સમજાવવામાં આવશે.

અત્રએ ઉલ્લેખનીય છે કે ચાર દાયકા પહેલા અલગારી સંત પૂ. બજરંગદાસબાપા બગદાણાના ગુરૂઆશ્રમ ખાતે તા. ૯-૧-૧૯૭૭ને રવિવારના વહેલી સવારે બ્રહ્મલીન થયા હતાં. આ દિવસ વિક્રમ સંવત મુજબ પોષ માસની વદ ચોથની તિથિ હતી. એ મુજબ પૂ.બાપાની આ ૪રમી પુણ્યતિથી છે.

Previous articleશિશુવિહારમાં કલ્પસર સહયોગ સમિતિની સર્વપક્ષીય બેઠક મળી
Next articleગૌશાળાની ગાયોને નિરણ કર્યુ