કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગુજરાત મુલાકાતના ત્રીજા દિવસે ડાકોરના સુપ્રસિધ્ધ રણછોડરાયજી મંદિર ખાતે દર્શન કરી પ્રચારની શરૂઆત કરી હતી. રાહુલ ગાંધીએ સૌપ્રથમ તો, ગુજરાતની જનતાનો ભારે ઉત્સાહપૂર્વક અને કોંગ્રેસના નવસર્જન માટે મતદાન કરવા બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. રાહુલે તેમની જાહેરસભામાં આજે પણ મોદી સરકાર અને ભાજપ પર આકરા ચાબખા વરસાવ્યા હતા કે, મોદીજી માટે વિકાસ અને ભ્રષ્ટાચારના મુદ્દે બોલવા જેવું કંઇ રહ્યું નથી અને તેથી મોદીજી તેમની સભાઓમાં તેમની પોતાની જ વાતો કર્યા કરે છે. મોદીજી પાસે હવે બીજા કોઇ મુદ્દે બોલવા જેવુ બચ્યું નથી એટલે, તેઓ માત્ર તેમની જ વાત કરી શકે છે, બીજું કંઇ કરી શકતા નથી. મોદીજીને સત્યએ ચોતરફથી ઘેરી લીધા છે. રાહુલે જણાવ્યું કે, ગુજરાતે નવસર્જન અને
પરિવર્તનની શરૂઆત કરી દીધી છે. આપનો બહુમૂલ્ય મત કોંગ્રેસને આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. કોંગ્રેસના તમામ ઉમેદવારો, કાર્યકર્તાઓને પણ ધન્યવાદ. તમારી મહેનત અને લગનથી ગુજરાતનું નવસર્જન નિશ્ચિત છે. રાહુલે ખેડૂતોને ૧૬ કલાક વીજળી આપવાની અને તેમના દવા માફ કરવાની વાત પણ દોહરાવી ખાતરી આપી હતી કે, કોંગ્રેસની સરકાર આવશે તો, ખેડૂતોના દેવા દસ જ દિવસમાં માફ કરીશું અને તેમના માટે ખાસ નીતિ બનાવીશું. રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર ટાટા નેનો મુદ્દે મોદી સરકાર પર સીધા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે મનરેગામાં રૂ.૩૫ હજાર કરોડ ફાળવ્યા હતા, જયારે મોદીજીએ તેટલી જ રકમ માત્ર એક કંપની ટાટા નેનોને ફાળવી દીધી. મોદીજીએ લોકોને રોજગારી આપવાનો વાયદો કરી પાંચ ગામોના ખેડૂતોની જમીન લઇ લીધી હતી અને ટાટા નેનો કંપનીને ફાળવી દીધી હતી પરંતુ લોકોને ના રોજગારી મળી કે નથી તો રોડ ફર નેનો ગાડી દેખાતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમારી જમીનો, પાણી અને વીજળી છીનવી લેવાય છે અને તે મોદીજીના માનીતા ઉદ્યોગપતિઓને પધરાવી દેવાય છે. કચ્છના મુંદ્રામાં એક વ્યકિતને ૪૫ હજાર એકર જમીન માત્ર એક રૂપિયા પ્રતિ ચો.મીના ભાવે પધરાવી દેવાઇ અને આ વ્યકિતએ તમારી આ જમીનો થોડા મહિનાઓ પછી રૂ.ત્રણથી પાંચ હજારમાં એચપીસીએલ સહિતની સરકારી કંપનીઓને વેચી મારી..આમ કહી રાહુલ ગાંધીએ અદાણી જૂથને નિશાના પર લઇ લીધુ હતું. રાહુલે રાફેલ હવાઇ જહાજના કોન્ટ્રાકના મુદ્દે પણ વડાપ્રધાન મોદી પર સીધા પ્રહારો કર્યા હતા કે, મોદીએ અનુભવી સરકાર કંપની સાથેનો રાફેલ હવાઇ જહાજનો કોન્ટ્રાકટ રદ કરી હજારો કરોડની ઉંચી કિંમતે તે પોતાના ખાસ ઉદ્યોગતિને આપી દીધો કે જેણે કયારેય હવાઇ જહાજ બનાવ્યા નથી. આ ઉદ્યોગપતિના માથે રૂ.૪૫ હજાર કરોડનું તો દેવું છે. રાહુલ ગાંધીએ રાફેલ હવાઇ જહાજ ડીલ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછેલા ત્રણ સવાલો આજે ફરીથી દોહરાવ્યા હતા અને તેમની પાસેથી જવાબની માંગણી કરી હતી. રાહુલે શિક્ષણ, બેરોજગારી, આરોગ્ય સેવા, ખેડૂતો અને મહિલા સુરક્ષા સહિતના મુદ્દે પણ મોદી સરકાર અને ભાજપને આડા હાથે લીધા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર એ માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે, જયારે કોંગ્રેસની સરકાર આવશે એ ગુજરાતના ગરીબોની પોતાની સરકાર હશે આમ કહી રાહુલ ગાંધીએ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિજયનો ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો હતો. રાહુલે ખેડૂતોને ૧૬ કલાક વીજળી આપવાની અને તેમના દવા માફ કરવાની વાત પણ દોહરાવી ખાતરી આપી હતી. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં ખેડૂતોની કે જનતાની વાત કે વેદના કોઇ સાંભળતુ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર તેમની મનની વાત સંભળાવી જાય છે અને તેમનું ધાર્યું જ કરે છે. છેલ્લા ૨૨ વર્ષોથી ગુજરાતમાં જનતાનો-પ્રજાનો અવાજ સંભળાતો નથી પરંતુ આ વખતે ગુજરાતની જનતાને સરપ્રાઇઝ મળવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસની કે સ્થાનિક મુદ્દાઓની વાત નથી કરતા પંરતુ અફઘાનિસ્તાન, ચીન અને જમ્મુ-કાશ્મીરની વાત કરે છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઇને જણાવ્યું હતું કે, કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં પ્રજાલક્ષી અને લોકોનો કલ્યાણ અને ખુશહાલ જીંદગીની વાત કરી વચનો આપ્યા છે. કારણ કે, કોંગ્રેસ ગુજરાતના વસતા તમામ કુંટુંબોને ખુશહાલ જોવા ઇચ્છે છે. આ માટે કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકરોએ લોકોના ઘેર-ઘેર જઇ, ગામડે ગામડે ફરી લોકોના, ગ્રામજનોના અને સમાજના તમામ વર્ગ-સમુદાયની ઇચ્છા, અપેક્ષાઓ, પ્રતિભાવો, અભિપ્રાયો જાણ્યા અને સમજયા બાદ આ ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો છે. રાહુલ ગાંધીએ નર્મદા મુદ્દે ફરી એકવાર મોદી સરકાર અને ભાજપને આડા હાથે લીધા હતા કે, છેલ્લા ૨૨ વર્ષોથી ગુજરાતમાં નર્મદાની વાતો થાય છે. શું તમને નર્મદાના પાણી મળ્યા ? જેથી ઉપસ્થિત જનમેદનીમાંથી નકારનો જવાબ ઉઠયો હતો.
રાહુલે જણાવ્યું કે, મોદીજી પાસે તેમણે પૂછેલા પ્રશ્નોના જવાબ આપવા જેવું કંઇ નથી અને તેથી પ્રજાને બીજા મુદ્દાઓ અને ભાવનાત્મક વાતોમાં ગેરમાર્ગે દોરી રહ્યા છે પરંતુ ગુજરાતની શાણી અને સમજુ પ્રજા હવે તેમને ઓળખી ગઇ છે. રાહુલે ફરી એકવાર જય શાહ, રાફેલ ડીલ સહિતના દસ પ્રશ્નો ુમુદ્દે ગુજરાત સહિત દેશની જનતાને જવાબ આપવાની મોદીજીને માંગણી કરી હતી.
મીઠા શબ્દપ્રયોગ કરો અને ભાજપને હરાવો : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ મણિશંકર ઐય્યરના મોદી માટે વિવાદીત શબ્દપ્રયોગ બાદ ભાજપે ચગાવેલા વિવાદને માર્મિક કટાક્ષમાં જવાબ આપતાં જણાવ્યું હતું, મોદીજી વડાપ્રધાન છે, તેમના માટે ખોટો શબ્દપ્રયોગ ના કરો. વડાપ્રધાનપદની ગરિમા જાળવવી જોઇએ પરંતુ મીઠા શબ્દપ્રયોગ કરો અને ભાજપને હરાવો બસ..અમે મોદીજી અને ભાજપને બસ પ્રેમથી હરાવીશું. રાહુલે ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.