ભાવનગર જિલ્લા જેલમાં રહેલા કેદીઓ દ્વારા ગેર પ્રવૃત્તિઓ આચરાતી હોવાની વાંરવાર ફરિયાદો ઉઠવા પામે છે અને મોબાઈલ સહિતની વસ્તુઓ ચેકીંગ દરમિયાન મળી પણ રહી છે ત્યારે આજે તો કેદીઓ બેફામ બન્યા હોય તેમ હવાલદારનું ગળુ પકડી મારમારી વર્દીના બટન તોડી નાખ્યા હતા આ બનાવ અંગે હવાલદારે ત્રણ કેદીઓ સામે એ.ડીવીઝન પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી હતી.
ભાવનગર જિલ્લા જેલમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ કલ્યાણસિંહ જાડેજા ઉ.વ.૫૬ આજે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે જિલ્લા જેલમાં રહેલા કેદીઓ રામ નરેશભાઈ ગઢવી, ભોથુભાઈ કમલભાઈ તેમજ દિનેશ ધિરૂભાઈએ બપોરના ૩ વાગે હવાલદાર સાથે બોલાચાલી કરી હવાલદારને ભુંડા બોલી ગાળ આપી ગળાપચી દબાવી મોઢા ઉપર લાફા વતી મારમારી વર્દીના બટન તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપતા હવાલદાર પ્રવિણસિંહ જાડેજાએ ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ એ.ડીવીઝન પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૩૨, ૧૮૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઈ. એ.ડી. ગોહિલ ચલાવી રહ્યા છે. જિલ્લા જેલમાં હવાલદાર ઉપર કેદીઓ દ્વારા હુમલો કરી મારમારી વર્દીના બટન તોડી નાખવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે અને જેલમાં હવાલદારો પણ સલામત ન હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.