શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ગતરાત્રીના તલવાર, હોકી, ધોકા જેવા ઘાતક હથિયારો સાથે નવ શખ્સોએ બે યુવાન પર હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી નાસી છુટેલ જે પૈકીના એક યુવાનનું મોત થયેલ જ્યારે બીજાની હાલત ગંભીર છે ત્યારે યુવાનની હત્યા કરનાર શખ્સો પોલીસના રડારમાં હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. યુવાનની હત્યા થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ નજીક મઢુલી પાસે ગતરાત્રીના સમયે બેઠેલા સુઝાનસિંહ લવજીભાઈ પરમાર અને તેના મિત્ર ભગીરથસિંહ નરેશભાઈ હડીયલ, ઉપર તલવાર, હોકી, ધોકા અને પાઈપ જેવા હથિયારો વડે ધસી આવેલા નવ શખ્સોએ જીવલેણ હુમલો કરી નાસી છુટ્યા હતા. જ્યારે હુમલાનો ભોગ બનેલ બન્ને યુવાનોને સર ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ જ્યાં સુજાનસિંહ પરમારનું મોત નિપજ્યુ હતું. જ્યારે ભગીરથસિંહને ગંભીર હાલતે દાખલ કરાયા હતા. બનાવ અંગેની જાણ થતા જ ડિ.એસ.પી.માલ, ડીવાયએસપી ઠાકર, પી.આઈ. રબારી સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે જઈ તપાસમાં જોડાયા હતો. આ બનાવ અંગે ભગીરથસિંહ હડીયલે એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હરૂભા પીંગળી, જે.ડી. સરવૈયા, જયદિપ લાખાણી, કનકસિંહ પરમાર, તથા પાંચ અજાણ્યા સહિત કુલ નવ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહીતની કલમો સાથે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે. આ બનાવના કારણમાં મરનાર સુજાનસિંહ પરમારને અગાઉ વાહન અથડાવા બાબતે ઝઘડો થયો હતો તેની અદાવત રાખી હુમલો કરી સુજાનસિંહની હત્યા કરાયા હોવાનું ફરીયાદમાં જણાવાયુ છે. આ બનાવની તપાસ પીઆઈ રબારી ચલાવી રહ્યા છે ત્યારે આરોપીઓ પોલીસના રડારમાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. મરનાર યુવાન સુજાનસિંહના એક વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા અને ચાર દિવસ પછી તેના ભાઈ-બહેનના લગ્ન થવાના હતા ત્યારે યુવાનની હત્યા થતા પરિવારમાં લગ્ન ગીતો મરશીયામાં ફેરવાય જવા પામ્યા છે અને શોકનો માહોલ છવાયો છે.