સુરતઃ પ. રેલવે વિભાગની પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો

822

સુરતઃ પશ્ચિમ રેલવે વિભાગમાં આયોજિત ઓનલાઈન પરીક્ષાનું સર્વર ડાઉન થતાં ઉમેદવારો અટવાયા હતા. અને હેરાન થતાં હોબાળો મચાવ્યો હતો. પશ્રિમ રેલ્વે વિભાગમાં પાયલોટ એન્ડ ટેક્નિશિયનની સીબીટી-૨ની પરીક્ષા હોવાથી અન્ય શહેરો અને રાજ્યોમાંથી પરીક્ષાર્થીઓ સુરત આવ્યા હતા. આ પરીક્ષા ઓનલાઈન હતી. જોકે, પરીક્ષાની શરૂઆત થતાની સાથે જ ઓનલાઈન પરીક્ષાની વેબસાઈટનું સર્વર ડાઉન થઈ ગયું હતું. અને પેપર ખુલ્યા જ ન હતા. જેથી પરીક્ષાર્થીઓને પરીક્ષાથી વંચિત રહેવાનો વારો આવ્યો હતો.

દૂરથી આવેલા પરીક્ષાર્થીઓ પરીક્ષા ન આપી શકતા રોષે ભરાયા હતા. અને ઉનમાં આવેલા પ્લેટનીયન પ્લાઝા બહાર મોટી સંખ્યામાં એકઠાં થઈ હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. અને મામલો થાળે પાડ્‌યો હતો. પરીક્ષાર્થીનું કહેવું હતું કે, આખા ભારતમાં પશ્ચિમ રેલવે વિભાગમાં પાયલોટ એન્ડ ટેક્નિસિયન સીબીટીની બીજા સ્ટેજની પરીક્ષા હતા.

પરીક્ષાની વ્યવસ્થા સવાર, બપોર અને સાંજ એમ ત્રણ સમય પર રાખવામાં આવી છે. ૬૪ હજાર જગ્યાઓ ભરવા માટે પ્રથમ સ્ટેજમાં પાસ થયેલા ૧૩ લાખ વિદ્યાર્થીઓ ભારતભરમાં પરીક્ષા આપી રહ્યા છે. દરમિયાન સર્વર ડાઉન થતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. અને સવારની સમયમાં પરીક્ષા આપવા વંચિત રહ્યા હતા. સુરતમાં જે ૧૧૬ ઉમેદવારો પરીક્ષાથી વંચિત રહી ગયા હતાં, તેમનું કહવું હતું કે જયારે તેમની બીજી વખત પરીક્ષા લેવામાં આવે ત્યારે તેમને આવવા જવાની સુવિધા રેલ્વે દ્વારા કરી આપવામાં આવે.

 

Previous articleવીજ મીટર ભાડા પરનો ૧૮% GST રદ્દ
Next articleસમગ્ર દેશ-રાજ્ય અને વિવિધ સમાજો એક છે : વિજય રૂપાણી