ગાંધીરંગે રંગાયેલી આ પદયાત્રાનું વહેલી સવારે દુધાળાથી પ્રસ્થાન થયું.તુરી બારોટ કલાકારોએ પોતાના વાજિંત્રો વગાડીને યાત્રાનું અભિવાદન કર્યું. દુધાળા થી પાંચપીપળા જતી પદયાત્રાનો ઉત્સાહ વધારવા બાળકોથી લઈને મોટેરાઓએ મનસુખભાઈ સહીત પદયાત્રીઓને આવકાર્યા અને તેમના ઓવારણા લીધા. રસ્તામાં અલગ અલગ સંસ્થાની દીકરીઓએ લેજીમ થી યાત્રાનું સ્વાગત કર્યું હતું.
ગાંધીમૂલ્યોનાં માર્ગે ચાલનારી આ પદયાત્રા સૌરાષ્ટ્રની ધરતી પર ગાંધી વિચારોને વાગોળતી બુનિયાદી આદર્શોના ભેખધારીઓ પાંચપીપળાથી રાણપરડા ગામે પહોંચી ત્યારે ગામલોકોએ વિશાળ સંખ્યામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, અર્જુનરામ મેઘવાલજી અને અન્ય પદયાત્રીઓનું હર્ષોલ્લાસ સાથે સામૈયું કર્યું. અગ્યારમી મહાવ્રત સભા આજે રાણપરડા ખાતે યોજાઈ હતી.પૂજ્ય બાપુએ આપેલા મહાવ્રત “ભ્રહ્મચર્ય” પર પોતાના વિચારો રજૂ કરતા વિદ્યુતભાઈ જોશીએ જણાવ્યું કે, “ભ્રમચર્ય એ માત્ર શારીરિકતા સાથે નહીં માનસિકતા સાથે પણ જોડાયેલું છે. બ્રહ્મચર્ય એ આત્માની શક્તિ છે, સંકલ્પનું મનોબળ છે. આ પદયાત્રામાંકેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ, ભીખુભાઈ દલસાણીયા, ગુજરાત રાજ્યનાં મંત્રી વિભાવરીબેન દવે, મોહનભાઈ કુંડારિયા, વિકાસ મ્હાત્મે વિગેરે લોકો આ પદયાત્રામાં જોડાયા હતાં.
તારીખ ૧૬જાન્યુઆરીની વહેલી સવારે ગ્રામદક્ષિણામૂર્તી મણાર સંસ્થાથી નીકળીને ૨૧મી તારીખે સાંજે આ પદયાત્રા વાળૂકડ મુકામે પહોંચશે. પદયાત્રા દરમિયાન જોડાનાર દરેક વ્યક્તિ આજે ઇતિહાસની ભાગીદાર બની ગઈ છે. આ પદયાત્રાની સમાપન સભા આવતીકાલે તારીખ ૨૨-૦૧-૨૦૧૯ના રોજ લોકભારતી વિદ્યાલય, સણોસરા મુકામે સવારે ૧૦વાગ્યે યોજાશે. આ પૂર્વે ૨૦૦૫માં મનસુખભાઈએ કરેલી પદયાત્રામાં તત્કાલિન મુખ્યમંત્રી નરેનદ્રભાઈ મોદી જોડાયા હતા એ ઈતિહાસનું ફરી પુનરાવર્તન થશે અને આવતી કાલે લોકભારતી સણોસરા મુકામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ હાજર રહેશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિડિયો કોન્ફરન્સ દ્વારા આ સભામાં પોતાની હાજરી પૂરાવશે.
સમાપન સમારોહમાં રૂપાણી આવશે
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા. ૨૨ જાન્યુ. ૨૦૧૯ ના રોજ ભાવનગર જિલ્લાનાં પ્રવાસે આવી રહ્યા છે તેઓ તા. ૨૨ ના રોજ સવારે ૧૦/૫૦ કલાકે સ્ટેટ હેલીકોપ્ટર મારફતે ભાવનગર જિલ્લાનાં શિહોર તાલુકાના પાંચ તલાવડા ગામે હેલીપેડ પર આવશે ત્યાંથી તેઓ રસ્તા માર્ગે શિહોર તાલુકાનાં લોકભારતી સણોસરા ખાતે પદયાત્રા પૂર્ણાહુતિ સમારોહ સ્થળે જવા નીકળશે અહીં તેઓ સવારે ૧૧/૦૦ કલાકે પહોંચશે, આ સ્થળેથી તેઓ બપોરે ૧૨/૦૦ કલાકે રસ્તા માર્ગે નીકળી અને પાંચ તલાવડા ગામે હેલીપેડ પર ૧૨/૧૦ કલાએ પહોંચશે અને સ્ટેટ હેલીકોપ્ટર દ્વારા ગાંધીનગર જવા રવાના થશે.