વાઈબ્રન્ટ સમિટના સમાપન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માહિતી આપી હતી કે, માર્ચ ૩૦ પહેલા ૧ લાખ ૧૧ હજાર કરોડનું મૂડી રોકાણના કામો શરૂ થઈ જશે. એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. વિરોધીઓને જવાબ આપવામાં આવશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વાઈબ્રન્ટ સમિટ સફળતાથી પૂરી થઈ છે. શ્વેતપત્રની વાતો કરનારને આ જવાબ છે. યુપીએની સરકાર ખાડે ગઈ હતી. ૪૦૦થી વધુ કંપનીઓ કાર્યરત થશે . ૨૦૧૯માં જે એમઓયુ થયા છે, તેમાંથી જ આ કંપનીઓ છે. રાજ્ય સરકારે આ માટેની તૈયારીઓ કરી લીધી છે. જે ઉદ્ગઘાટન થવાના છે તેમાં અગાઉની વાયબ્રન્ટના વિવિધ તબક્કે થયેલા એમઓયુ પણ સાકાર થવાના છે. એટલે આપો આપ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. વિરોધીઓ સમજતા નથી એટલે જૂની કેસેટ જ વગાડે છે.
મુખ્ય સચિવ ડો જે.એન. સિંહે કહ્યું કે, ગુજરાત ૧૩ થી ૧૭ ના વર્ષ દરમિયાન વધુમાં વધુ પ્રગતિ કરનાર રાજ્ય હતું. ગુજરાત પ્રથમ નંબરે હતું. ગુજરાત સરકાર અને ભાજપના સમયે નાણાંની શિસ્ત ખૂબ સારી રહી છે. દેવું પણ ઓછું રહ્યું અને મોંઘવારી પણ ઓછી રહી છે. નોકરીઓ વધવામાં ગુજરાત નંબર વન રહ્યું છે. વાર્ષિક વૃધ્ધ દર પણ ગુજરાત નંબર વન રહ્યું છે. ઇવીએમને હેક કરવાના વિવાદ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ચૂંટણી આવે છે ત્યારે જ ઇવીએમની વાત આવે છે. કૉંગ્રેસ મુદ્દા ઉપસ્થિત કરી રહ્યું છે, માત્ર ૪ મહિના પહેલા જ શા માટે જવાબ આપ્યો? ચૂંટણી પંચ તેનો જવાબ આપવાનો છે.