વાઈબ્રન્ટ સમિટના શોરબકોરના બીજા જ દિવસે મહાત્મા મંદિરની બરોબર સામે આવેલા સચિવાલયમાં કાગડા ઉડયા હતા. સરકારી કામના ચાલુ દિવસ સોમવારે રાજ્યના વહિવટી તંત્રની વડી કચેરીમાં મુખ્યમંત્રીથી લઈને મંત્રીઓ, સચિવો પોતાની ચેમ્બરોમાં નહોતા. વાઈબ્રન્ટ સમિટ પછી આખી સરકાર થાક ઉતારવા સાયલન્ટ મોડ ઉપર હોય તેવો માહોલ ગાંધીનગરમાં જોવા મળ્યો હતો.
૧૫ દિવસથી વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ, બેઠકોમાં વ્યસ્તતાને કારણે મંત્રીઓ, સેક્રેટરીઓ મળતા ન હોવાથી સોમવારે રાજ્યના અનેક વિસ્તારોમાંથી સામાન્ય નાગરીકો પોતાની રજૂઆતો લઈને સચિવાલય પહોંચ્યા હતા. પરંતુ, આજે પણ તેમને ધરમધક્કો પડયો હતો. મોટાભાગના મંત્રીઓ, સેક્રેટરીઓ અને વાઈબ્રન્ટ સમિટની વ્યવસ્થામાં રોકાયેલા કર્મચારીઓએ સોમવારે આરામ માટે રજા ઉપર રહ્યા હોય તેવા માહોલની વચ્ચે સચિવાલયની બહાર હેલિપેડ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ ટ્રેડ-શોની મૂલાકાતે સેંકડો નાગરીકો આવી પહોંચતા ઠેરઠેર આડેઘડ કાર ર્પાકિંગ દશ્યો સર્જાયા હતા.
સળંગ ૧૦ દિવસથી ટ્રાફક મેનેજમેન્ટ અને વીવીઆઈપી મુવમેન્ટમાં રોકાયેલી પોલીસ પણ રજા પર હોય તેવી સ્થિતિને પગલે વાયબ્રન્ટ દરમમિયાન ગાંધીનગર- અમદાવાદના જોડતા રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.