હાલ ગુજરાત કોંગ્રેસ લોકસભા ૨૦૧૯ની ચૂંટણીને લઈ કવાયત હાથ ધરી રહી છે. પરંતુ છેલ્લા એક મહિનાથી કોંગ્રેસમાં ક્યારેક યુવાઓ તો ક્યારેક વરિષ્ઠ નેતાઓ નારાજ થઈ રહ્યા હોવાની પરિસ્થિતિ સામે આવી રહી છે. આજે પણ સર્કીટ હાઉસ ખાતે યોજાયેલી કોંગ્રેસની મહત્વની બેઠકમાં વિક્રમ માડમ, પ્રતાપ દુધાત, હિંમતસિંહ પટેલ, ગ્યાસુદ્દીન શેખ, અલ્પેશ ઠાકોર, ભરત ઠાકોર, જવાહર ચાવડા, અક્ષય પટેલ, રાજેન્દ્રસિંહ પરમાર, સંતોકબેન અરેઠીયા, જસપાલ ઠાકોર સહિત કુલ ૧૧ ધારાસભ્યો ગેરહાજર તેના ગંભીર અને ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ખુદ કોંગ્રેસ હાઇકમાન્ડે આ વાતની ખૂબ જ ગંભીર નોંધ લીધી હતી. તાજેતરમાં જ હાઇકમાન્ડ દ્વારા કોંગ્રેસના તમામ સ્થાનિક નેતાઓ, ધારાસભ્યો અને આગેવાનોને લોકસભાની ચૂંટણીને લઇ શિસ્તમાં રહેવા કડક શબ્દોમાં સૂચના જારી કરાઇ હતી. બીજીબાજુ, કોંગ્રેસની આજની ચૂંટણી લક્ષી મહત્વની બેઠકમાં ખુદ તેના જ પક્ષના ૧૧ ધારાસભ્યો ગેરહાજર રહેતા સ્થાનિક રાજકારણ ગરમાયું હતું.
કોંગ્રેસની છાવણીમાં અનેક અટકળો અને અનેક તર્ક-વિતર્કો વહેતા થયા હતા તો, બીજીબાજુ, ભાજપની છાવણીમાં કોંગ્રેસની નારાજગી અને અસંતોષના ખેલને લઇ સ્થાનિક નેતાઓ અને આગેવાનો ગેલમાં જોવા મળ્યા હતા. જે પક્ષની આંતરિક ખુશી સ્પષ્ટ કરતી હતી. કારણ કે, કોંગ્રેસનો આંતરિક વિખવાદ ભાજપને લોકસભાની ચૂંટણીમાં બહુ મોટો ફાયદો કરાવી શકે તેમ છે, તેથી ભાજપ પણ કોંગ્રેસની નારાજગી અને આંતરિક કલહનો ભરપૂર ફાયદો ઉઠાવવા વ્યૂહરચનામાં જોતરાયું છે. લોકસભાની આગામી ચૂંટણીને લઇ આજે અમદાવાદમાં મળેલી કોંગ્રેસની કારોબારી બેઠકમાં મોટાભાગના તમામ ધારાસભ્યો સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. નારાજ સિનિયર નેતાઓ અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, નરેશ રાવલ, સાગર રાયકા, તુષાર ચૌધરીને સ્ટેજ પર સ્થાન અપાયું હતું. ખાસ કરીને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ગેરહાજરી સૂચક માનવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પક્ષમાં થઈ રહેલી અવગણનાને લઈ નારાજ છે.
તો સાથે સાથે અન્ય ધારાસભ્યો પરંતુ વિક્રમ માડમ, પ્રતાપ દુધાત, હિંમતસિંહ પટેલ, ગ્યાસુદ્દીન શેખ, અલ્પેશ ઠાકોર, ભરત ઠાકોર, જવાહર ચાવડા, અક્ષય પટેલ, રાજેન્દ્રસિંહ પરમાર, સંતોકબેન અરેઠીયા, જસપાલ ઠાકોર સહિત કુલ ૧૧ ધારાસભ્યો બેઠકમાં ગેરહાજર રહેતાં ભારે ચર્ચા ચાલી હતી. થોડા દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે ચૂંટણી અને સંગઠનના મુદ્દે ચર્ચા કરી લોકસભા ૨૦૧૯ની ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારી શરૂ કરી હતી. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને વિચાર વિમર્શ કરાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ આ તમામ નેતાઓને સ્પષ્ટ રીતે કહ્યું છે કે તમારે બધાએ શિસ્તમાં રહેવું પડશે. હાઇકમાન્ડ તમારી કોઈ ખોટી માગણીઓને તાબે થશે નહીં. એટલું જ નહીં ગુજરાતના યુવા નેતાઓને સ્વીકારીને લોકસભાની ચૂંટણી જીતવા માટે સાથે રહીને કામ કરવાનું રહેશે. હાઇકમાન્ડે લોકસભાની ચૂંટણી ટાણે કોઇપણ પ્રકારના વિવાદ કે ધાંધિયાથી દૂર રહેવા પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓને સ્પષ્ટ તાકીદ કરી છે પરંતુ તેમછતાં પક્ષમાં આંતરિક કલહની વાતો કોઇક ને કોઇક રીતે સામે આવી જાય છે. આજની ઘટના પરથી તો કોંગી હાઇકમાન્ડની શિસ્તમાં રહેવાની કડક સૂચના છતાં ગુજરાત કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યો અને નેતાઓમાં તેનો કોઇ અમલ દેખાતો નથી.