અંબાજી-ગબ્બર પર બનશે દેશનો સૌપ્રથમ સ્કાય વોક

1433

ગાંધીનગર-વિદેશોમાં રોમાંચક વિઝિટનો અનુભવ કરાવતાં સ્કાય વોકની તસવીરો આપણે ઘણીવાર જોઇ છે.આવું દ્રશ્ય ગુજરાતના અંબાજીમાં તાદ્રશ્ય થાય તેનો તખ્તો મંડાઈ ગયો છે. ખબર મળી રહ્યાં છે કે યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર રોમાંચક અને સાહસિકતાનો અનુભવ આપતો ‘સ્કાય વોક’ની મજા માણી શકાશે.

આ દિશામાં પહેલા કદમ તરીકે પ્રવાસન નિગમે વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ કર્યાં છે. એમઓયુ અંતર્ગત સ્કાય વોકનું કામ એક વર્ષમાં પુરું કરવાની જોગવાઇ પણ થઇ છે. ગબ્બર ઉપર બનનારો આ સ્કાય વોક-કાચનો પુલ ભારતનો પ્રથમ ‘સ્કાય વોક’ હશે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિવિધ યાત્રાધામમાં અનેક સુવિધાઓ ઉભી કરવા માટે અનેક એમઓયુ કરવા જઇ રહ્યા છે. જેના ભાગરુપેજ પર્વત ઉપર પારદર્શક કાચ ઉપર ચાલી શકાય અને નીચે જોઇ શકાય તેવો સ્કાય વોક બનાવવા એમઓયુ કરાયા છે.

દેશની મુખ્ય શક્તિપીઠમાં એક ગણાતા અંબાજીમાં દર્શન માટે ભાદરવી પૂનમ, નવરાત્રિ અને અન્ય તહેવારો સહિત વર્ષભર લાખો દર્શનાર્થીઓ આવતાં હોય છે. અંબાજી મંદિરના દર્શન કરીને ડુંગર ઉપર ગબ્બરની મુલાકાત પણ લેતા હોય છે. તે ગબ્બરના પહાડ ઉપર બહારની બાજુએ એક સાઇડથી બીજી સાઇડ સુધી મજબૂત કાચ ઉપર ચાલીને જઇ શકાય અને બીજી તરફ પહાડીઓ-ખીણ નિહાળી શકે તે રીતે આઉટડોર સ્કાય વોક’ બનાવવામાં આવશે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ કિરીટ અધ્વર્યુએ આ અંગે પહેલાં માહિતી આપી હતી કે ઉષા બ્રેકો કંપની સાથે સ્કાય વોક બનાવવા એમઓયુ કરવામાં આવશે.

Previous article‘ચાર ચાર બંગડી વાળી…’ ગીત  મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી
Next articleઇવીએમ વિવાદ : FIR દાખલ કરવાનું આખરે પોલીસને સૂચન