સીબીઆઇમાં બદલીનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. સીબીઆઇના વચગાળાના ડાયરેકટર નાગેશ્વર રાવે ફરી એક વખત ર૦ અધિકારીઓની બદલી કરી છે. બદલી કરવામાં આવેલ અધિકારીઓમાં ર-જી કૌભાંડની તપાસ કરી રહેલા અધિકારી વિવેક પ્રિયદર્શીનો પણ સમાવેશ થાય છે. પ્રિયદર્શી હાલ દિલ્હીના ભ્રષ્ટાચાર વિરોધી વિભાગમાં હતા અને હવે તેમની બદલી ચંડીગઢ કરી દેવામાં આવી છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટના આદેશ પર પુનઃ સ્થાપિત થયેલા સીબીઆઇના પૂર્વ ડાયરેકટરની ડીજી ફાયર સેફટીના પદ પર બદલી કરવામાં આવી હતી, પરંતુ તેમણે એવું કહીને પોતાના પદથી રાજીનામું આપી દીધું હતું કે તેમની નિમણૂક સીબીઆઇ ડાયરેકટર તરીકે થઇ હતી.
અને તેમનો કાર્યકાળ બે વર્ષનો હતો. ડીજી ફાયર સેફટી માટે જે ઉંમર હોય છે તે અગાઉથી જ પાર કરી ચૂકયા છે. ત્યાર બાદ સીબીઆઇના સ્પેશિયલ ડાયરેકટર રાકેશ અસ્થાનાની બદલી એવિએશન સિકયોરિટી એજન્સીમાં કરવામાં આવી હતી.
સીબીઆઇના કાર્યકારી ડાયરેકટર નાગેશ્વર રાવે ફરીથી ર૦ અધિકારીઓની બદલી કરી છે. બંધારણીય અદાલતોના આદેશ પર કોઇ પણ કેસની તપાસ અને મોનિટરિંગ કરનાર અધિકારી પોતાના પદ પર કાયમ રહેશે. નવા આદેશ અનુસાર તામિલનાડુમાં સ્ટર્લાઇટ વિરોધી દેખાવ દરમિયાન થયેલા ફાયરિંગ કેસમાં તપાસ કરી રહેલા એ.એ.સર્વનનની બદલી મુંબઇની બેન્કિંગ, સિકયોરિટી અને ફ્રોડ તપાસ શાખામાં કરવામાં આવી છે. આ શાખા નીરવ મોદી અને મેહુલ ચોકસી સહિત લોન કૌભાંડ કરનારના કેસોની તપાસ કરી રહી છે.
સીબીઆઇના સ્પેશિયલ યુનિટમાં તહેનાત પ્રેમ ગૌતમને પદમુકત કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી તેમની કામગીરી વિજિલન્સ માટે અધિકારીઓ પર નજર રાખવાની હતી. હવે તેમને આર્થિક કેસોની તપાસ કરવી પડશે તેમને ડેપ્યુટી ડાયેકટર (પર્સોનલ)નો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. ગૌતમના સ્થાને રામગોપાલની નિમણૂક કરવામાં આવી છે કે જેઓ ચંડીગઢ સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચથી બદલી દ્વારા અહીં આવ્યા છે.
સીબીઆઈના વચગાળાના ડાયરેક્ટર તરીકે નાગેશ્વર રાવની કરાયેલી નિમણૂકને જાણીતા ચળવળકાર અને સુપ્રીમ કોર્ટના લૉયર પ્રશાંત ભૂષણે પડકારી છે. એની સુનાવણી ૨૪ જાન્યુઆરીએ કરાશે.