દિલ્હી સહિત એનસીઆરમાં મંગળવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારે ૯ વાગતા અચાનક વાદળો થવાઈ જતા અંધારુ થઈ ગયું હતું. ગઈ કાલે મોડી રાતથી શરૂ થયેલા વરસાદના કારણે અહીં તાપમાન ઘણું નીચુ આવી ગયું હતુ અને ઘણી જગ્યાએ કરા પણ પડ્યા હતા. આજે સવારે પણ ઘણી જગ્યાએ વરસાદ જોવા મળ્યો હતો. હવામના વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ-ચાર દિવસ સુધી દિલ્હીનું વાતાવરણ આવું જ રહેવાની શક્યતા છે. આ સિવાય કાશ્મીર-હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પણ ઘણાં વિસ્તારોમાં પહેલી સવારથી હિમવર્ષા થઈ રહી છે.
દિલ્હીના સુભાષ નગર, નરેલા, પંજાબી બગા સહિત ઘણાં વિસ્તારોમાં વરસાદની સાથે કરા પડ્યા હતા. માનવામાં આવે છે કે, ઉત્તર ભારતના પહાડોમાં વેર્સ્ટન ડિસ્ટર્બન્સ સર્જાયું હોવાના કારણે દિલ્હીનું વાતાવરણ બદલાયું છે. આ વાતાવરણની છેલ્લા બે દિવસથી અસર જોવા મળી રહી છે. આગામી બે-ત્રણ દિવસ પણ દિલ્હીનું તાપમાન નીચું રહેવાનો અંદાજ છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજસ્થાન પાસે વેર્સ્ટન ડિસ્ટર્બન્સનું એક ચક્રવાત બન્યું છે. જે ઉત્તર-પૂર્વ દિશામાં વધી રહ્યું છે. તેના કારણે દિલ્હીમાં વાદળો છવાયેલા છે.જમ્મુ કાશ્મીરમાં ગત રાતે અને આજે વહેલી સવારે હિમવર્ષા થઈ છે. અને તેના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વાહન વ્યવહાર સેવાને અસર થઈ છે. જમ્મુ કાશ્મીરની જવાહર ટનલ પણ બારે હિમવર્ષાના કારણે બંધ છે. જમ્મુ કાશ્મીરના રાજૌરીના પીરપંજાલ ખાતે ભારે હિમવર્ષા થઈ છે. જેના કારણે ચારે તરફ બરફની ચાદર છવાઈ ગઈ છે.
પહાડો પર થઈ રહેલી ભારે બરફ વર્ષા અને મેદાની પ્રદેશમાં ભારે પવન અને વરસાદનો ડબલ અટેક જોવા મળી રહ્યો છે. અને તેના કારણે ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થયો છે. ભારે હિમવર્ષાના કારણે પહાડો પર અદભૂત દ્રશ્યો જોવા મળી રહ્યો છે. વૃક્ષો, રસ્તાઓ, મકાનથી માંડીને તમામ સ્થલે બરફની સફેદ ચાદર છવાયેલી જોવા મળી રહી છે. ભારે હિમવર્ષા અને વરસાદના કારણે વાહન ચાલકો પરેશાન છે.
રસ્તાઓ બંધ છે. ઉત્તરાખંડના પહાડી પ્રદેશમાં હિમવર્ષા થઈ છે. હવામાન વિભાગે ૩૬ કલાક હિમવર્ષાની ચેતવણી પણ આપી છે. તો જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે નેશનલ હાઈવે બંધ છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં ચાર ધામમા બરફની ચાદર જોવા મળી રહી છે.