પાટનગરના રેલ્વે સ્ટેશન ઉપર જુજ સંખ્યામાં જ ટ્રેનોની અવર જવર થઇ રહી છે તો બીજી તરફ સમગ્ર દેશની સર્વ પ્રથમ રેલ્વે ટ્રેક ઉપરની હોટલનું નિર્માણની કામગીરી ચાલી રહી છે. ત્યારે રેલ્વે તંત્ર દ્વારા ટ્રેકના સમારકામના ભાગરૃપે કેપિટલ રેલ્વે સ્ટેશન ઉપર અવર જવર કરતી તમામ ટ્રેનોને દસ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ ટ્રેનો અમદાવાદ સુધી જ દોડશે. તો અગાઉ મેમુ ટ્રેનને પણ ૫૦ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. આમ શહેરના મુસાફરોને ટ્રેનની સુવિધા મેળવવા માટે અમદાવાદ સુધી લંબાવવું પડશે.
ગુજરાતના પાટનગરમાં આવેલા કેપિટલ રેલ્વે સ્ટેશન ઉપર હાલમાં સમગ્ર દેશની રેલ્વે ટ્રેક ઉપરની સૌ પ્રથમ હોટલ નિર્માણ કરવાની કામગીરીનો બે વર્ષ અગાઉ પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ પણ આ કામગીરી પુર્ણ નહીં થતાં રેલ્વેની સેવાઓમાં પણ વિક્ષેપ પડી રહ્યો છે.
હાલમાં કેપિટલ રેલ્વે સ્ટેશન ઉપર જુજ સંખ્યામાં ટ્રેનોની અવર જવર થઇ રહી છે. ત્યારે થોડા દિવસ અગાઉ મેમુ ટ્રેનને બંધ કરવામાં આવી હતી. ત્યારે પુનઃ રેલ્વે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, તા.૨૩ જાન્યુઆરીથી દસ દિવસ સુધી કેપિટલ રેલ્વે સ્ટેશન ઉપરથી તમામ ટ્રેનો અવર જવર કરશે નહીં. હાલમાં રેલ્વે સ્ટેશને હરીદ્વાર, શાંતિએક્સપ્રેસ તથા ગરીબ રથ અને આણંદ થતી મેમુ ટ્રેન અવર જવર કરે છે.
બે વર્ષ અગાઉ જ્યારે હોટલના નિર્માણની કામગીરી શરૃ કરવામાં આવી હતી ત્યારે ૨૦૧૯ જાન્યુઆરી સુધીમાં આ કામગીરી પુર્ણ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કામગીરી પુર્ણ નહીં થતાં કેપિટલ રેલ્વે સ્ટેશનની સુવિધાઓમાં પણ કાપ મુકવામાં આવી રહ્યો છે.
રેલ્વે ટ્રેક ઉપર બની રહેલી હોટલના પગલે નગરજનોને આશા બંધાણી હતી કે, વધુને વધુ ટ્રેનોની અવર જવર શરૃ થશે પરંતુ જે પ્રકારે ગોકળગતિએ કામગીરી ચાલી રહી છે તેના પગલે હાલમાં જે સુવિધાઓ મળી રહી છે. તેમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. રેલ્વે તંત્ર દ્વારા દસ દિવસ સુધી ટ્રેનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવતાં શહેરના મુસાફરોને ટ્રેનની સુવિધા મેળવવા માટે અમદાવાદ સુધી લંબાવવું પડશે.જ