પ્રિયંકા વાઢેરાને કોંગ્રેસના મહાસચિવ બનાવી દેવામાં આવ્યા બાદ વડાપ્રધાન મોદીએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. મોદીએ પ્રિયંકાના નામનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું છે કે, કેટલાક લોકો માટે પરિવાર જ પાર્ટી છે. ભાજપના બુથ વર્કર્સની સાથે ચર્ચા દરમિયાન તેમણે આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો માટે પરિવાર જ પાર્ટી છે. અમારા માટે પાર્ટી પરિવાર છે. અમારો વિરોધ કોંગ્રેસની સંસ્કૃતિ સાથે છે. કોંગ્રેસ મુક્ત દેશનો અર્થ કોંગ્રેસ મુક્ત સંસ્કૃતિ સાથે છે. મહારાષ્ટ્રના બારામતી, ગઢચિરોલી, હિંગોલી, નાંદેડ, નંદુરબારના બુથ સ્તરના ભાજપ કાર્યકરો સાથે વાતચીત કરતા મોદીએ કહ્યું હતું કે, અન્યના મામલામાં પરિવાર પાર્ટી છે. આની બિલકુલ વિરુદ્ધ ભાજપમાં પાર્ટી પરિવાર છે. કોંગ્રેસ મહાસચિવ નિમાયેલા અને પાર્ટીના પૂર્વીય ઉત્તરપ્રદેશ મામલાના પ્રભારી પ્રિયંકા ગાંધીની નિમણૂંક કરવામાં આવ્યા બાદ આનો પરોક્ષરીતે મોદીએ ઉલ્લેખ કર્યો હતો. ભાજપમાં નિર્ણયો એવા આધાર પર કરવામાં આવે છે કે, દેશના લોકો કયા પ્રકારની વિચારધારા ધરાવે છે.
ભાજપના નિર્ણય એવા આધાર પર થતાં નથી કે, એક વ્યક્તિ અથવા તો એક પરિવાર શું વિચારે છે. પાર્ટીના કાર્યકરો શું વિચારે છે તેવા નિર્ણયના આધાર પર નિર્ણય લેવામાં આવે છે. મોદીએ કહ્યું હતું કે, ભાજપ લોકશાહી સંસ્કૃતિ અને મૂલ્યોના આધાર પર ચાલે છે. પ્રિયંકાને સક્રિય રાજનીતિમાં ઉતારવાના નિર્ણય બાદ જુદા જુદા પક્ષો તરફથી આકરી પ્રતિક્રિયા મળી રહી છે. રાહુલ ગાંધી પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં પહોંચ્યા છે. અમેઠી પહોંચતા પહેલા રાહુલે મોટો દાવ રમ્યો હતો. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, સપા અને બસપા સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રહેલા છે. માયાવતી અને અખિલેશ સાથે તેમની કોઇપણ પ્રકારની દુશ્મની નથી.