ભાજપની આગેવાની વાળી મહારાષ્ટ્ર સરકારે શિવસેનનાં સ્થાપક સ્વર્ગસ્થ બાલ ઠાકરેનાં સ્મારક માટે ૧૦૦ કરોડ રૂપિયાનાં બજેટને મંગળવારે મંજૂરી આપી છે. લોકસભા ચૂંટણી નજીક હોવાને કારણે બન્ને દળોનાં સંબંધમાં સુધારો લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. શિવસેનાએ કહ્યું કે, આ નિર્ણયનો ગઠબંધન સાથે કોઈ સંબંધ નથી. આ નિર્ણય બાલ ઠાકરેના જન્મદિવસ પૂર્વે મોડી સાંજે કરવામાં આવ્યો હતો. સૂત્રો પ્રમાણે મ્યુનસિપલ કોર્પોરેશન બુધવારે સ્મારકનાં નિર્માણ માટે જમીનનો કબજો ટ્રસ્ટને સોંપશે. મંત્રીમંડળની બેઠક બાદ નાણામંત્રી સુધીર મુનગંટીવારે જણાવ્યું કે, ભાજપ અને તેના સહયોગી દળ શિવસેના વચ્ચે સારા સંબંધો છે અને રહેશે. લોકસભા ચૂંટણીમાં ભાજપ ગઠબંધનનાં પક્ષમાં હોવાથી બન્ને દળો વચ્ચે સમાધાનની ઘણી આશાઓ હતી. કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારમાં ભાજપની સહયોગી શિવસેના બન્ને સરકારોની ઘણી વખત ટીકા કરી ચુકી છે. ગત વર્ષે શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ લોકસભા ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી હતી.