બ્લુટૂથની વાતો કરતી કોંગ્રેસ બ્લુ વ્હેલમાં ફસાઇ : મોદી

830
guj12122017-8.jpg

નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતમાં ચૂંટણી સભાઓ કરી રહ્યાં છે. પાટણ ખાતેની પોતાની સભામાં મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં જ્યારે પૂર આવ્યું ત્યારે અહીંની જનતા પૂરના પાણીમાં બચવા માટે મથામણ કરતી હતી અને કોંગ્રેસના નેતાઓ સ્વીમિંગ પૂલમાં ઝબુકિયા મારી રહ્યાં હતા.
 કોંગ્રેસવાળા હાલ બ્લૂ ટૂથ, બ્લૂ ટૂથ બોલી રહ્યાં છે, પરંતુ તેઓ એ બંધ કરી દે કારણ કે તેઓ બ્લૂ વ્હેલમાં ફસાણા છે અને ૧૮મી તારીખે આ બ્લૂ વ્હેલનો આખરી એપિસોડ જોવા મળવાનો છે. ઉત્તર ગુજરાતના લોકો પાણી માટે વલખા મારતા હતા. આપણી દિકરીઓ ભણવાનું છોડીને ત્રણ કિલોમીટર માટલા ઉંચકીને જતા હતા. અમારા નેતાઓએ ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડવા માટે ત્રણ ત્રણ પેઢી ઘસી નાંખી. નર્મદાનું પાણી આજે પહોંચ્યું. એકલા પાટણ વિસ્તારમાં પહેલા જેટલી ખેતી થતી તેમાં ૧૦૦ ટકાનો વધારો થયો છે. આ લાભ મળ્યો છે. 
એક વખતનો નથી. કોંગ્રેસનું એક વખત માટે હોય છે. અમે તો તમારી સાત પેઢી તરી જાય તેવા કામ કરી રહ્યાં છીએ.
આ પાણી પહોંચવાના કારણે પાક બમણો થયો છે. જે લોકોને જીરૂ અને વરિયાળીમાં ખબર નથી પડતી એ લોકો અમને વિકાસ કેવી રીતે કરવો તે સમજાવે છે. જો કોંગ્રેસ આવે તો બટાકાની ફેક્ટરીઓ નાંખશે. જેમને આટલી ગતાગમ નથી. ચણાનો છોડ હોય કે ઝાડ હોય જેમને ગતાગમ નથી. ગુજરાતનો માનવી કોંગ્રેસવાળા તમે જે ચૂંટણી સભામાં બોલ્યા છો. જૂઠાણા ચલાવ્યા છે, એ તમારું લેવલ શું છે એ અમને ખબર પડી, તમારી સમજણ કેટલી એ પણ ખબર પડી ગઇ અને તમે જેવા છો તેવા અમને કંઇ સમસ્યા નથી. તમે એક બેવાર બોલો તમારી ભૂલ છે, પણ છેલ્લા એક મહિનાથી એકનું એક બોલ્યા કરો, તમે માનીને બેઠા છો કે ગુજરાતની જનતાને ગતાગમ નથી પડતી તમે આ જે ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે તેનો બદલો ૧૪ મી તારીખે ખબર પડી જશે.
ગુજરાતના ખેડૂતે હવે સાહુકાર પાસેથી પૈસા ઉંચા વ્યાજે લેવાની જરૂર નથી. તેને જરૂર પડે અને બેન્કમાંથી પૈસા લેવાના હશે, તો તેનું વ્યાજ ગુજરાતના ખેડૂતે આપવાનું નથી. વગર વ્યાજે બેન્ક તમને ખેતીના કામ માટે પૈસા આપશે અને વ્યાજ ગુજરાત સરકાર ચૂકવશે. તમારે સોનાનું ઇંડુ આપતી મરઘી જોઇએ છે કે મરઘીને કાપીને પૂરી કરવી છે.
ભારત સરકાર એક એવી યોજના તમારા માટે લાવી છે, હવે જ્યારે તમારે ત્યાં નર્મદાના પાણી, સુજલામ સુફલામના પાણી, ચેકડેમ, ખેત તલાવડી હોય, ત્યારે આ યોજના વકરો એટલો નફો જેવી છે. ખેતી માટે પૈસા વગર વ્યાજે મળે અને વિજળીનું બીલ ન આવે. ભારત સરકાર દ્વારા સૂર્ય શક્તિથી ચાલતા પંપ લગાવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેનાથી વિજળી બિલ ભરવાનું બંધ થઇ જશે. આવનારા વર્ષોમાં વિજળી ક્ષેત્રે ક્રાંતિ લાવવાના છીએ. મારે એક નવું કામ કરવું છે, મારે ઉત્તર ગુજરાતમાં ખાસ કરવું છે. શ્વેત ક્રાન્તિની જેમ મઘુ ક્રાન્તિ કરવી છે. વિશ્વમાં સાચા મધની એટલી બધી માગ છે. મધપૂડાના મીણનું મોઘું માર્કેટ છે. આપણે મોટા પાયે વિદેશોમાં આપી શકીએ છીએ. દૂધની જેમ પણ મધમાખીની ખેતી થાય.
આ કોંગ્રેસના નેતા સવાર સાંજ મને એક ગાળ આપે છે. મારે તમારું સર્ટિફિકેટ જોઇએ. આ કોંગ્રેસ નેતા. આખી કોંગ્રેસ જેના ભરોસે છે, કાં મોદી આ મોદી તો પાંચ ઉદ્યોગપતિઓ માટે કામ કર્યું અને કરે છે. હું તમને પૂછવા માગું છું શું કોઇ વ્યક્તિએ મને ૧૩ વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે કામ કરતા જોયો છે, શું તમે મારા પર આરોપ મુકાયો છે, તેની સાથે સહેમત છો. તમારે કોંગ્રેસના આ જૂઠ્ઠાણાનો જવાબ આપશો.
દિકરીઓને ભણાવવા અને ખેતીમાં આધુનિક ક્રાન્તિ લાવવા માટે કૃષિ મહોતસ્વ કર્યા હતા. છતાં કોંગ્રેસ જૂઠ્ઠાણા ફેલાવી રહી છે. ગુજરાતની શાળાઓનું શિક્ષણ સુધરે એ માટે અમારી સરકાર ગુણોત્સવના કાર્યક્રમ કરે છે, બાળકો સાથે ભણતરની વાતો કરે છે. એ અમારા મતદારો નહોતા એ આપણી આવતી કાલ છે. આ હું જે વાતો કરું છું એ વિકાસના કામો છે. પણ જે લોકોની વચ્ચેની આવક બંધ થઇ ગઇ છે એ લોકોને મોદી ખુંચે છે. ૧૪મી તારીખે કમળના નિશાન પર બટન દબાવીને મોદીની રક્ષા કરવાની જવાબદારી ઉત્તર ગુજરાતના ભાઇઓ બહેનોની છે.

Previous articleઆજે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો અંત આવશે
Next articleમોદી-રાહુલના રોડ શો રદ્દ : તંત્ર અચાનક કેમ સિંઘમ બની ગયું?