રાજકોટ એલસીબી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન સ્ટાફને મળેલી પૂર્વ બાતમીના આધારે આંતર જિલ્લા ઘરફોડ ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સોને બે બોલેરો પીકઅપ વાન સહિત ૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જેમણે ૧૭ ચોરીઓની કબુલાત આપી હતી.
રાજકોટ એલસીબીએ મનજી ઉર્ફે બાટલી પરશોત્તમભાઈ ડાભી કોળી ઉ.વ.૩૪ રહે.ચોગઠ તા.ઉમરાળા, મુકેશ ઉર્ફે ભોપો રમેશભાઈ સોલંકી દે.પૂ. ઉ.વ.૩૦ રહે.ચોગઠ તા. ઉમરાળા તથા સંજય બાવકુભાઈ સોલંકી ઉ.વ.રપ રહે.ભંડારિયા તા. જસદણવાળાને ૬૦ મણ કપાસ, ૪૮ મોટી બેટરી, ર૦ નાની બેટરી, ૩ મોબાઈલ તથા બે મહિન્દ્રા બોલેરો પીકઅપ વાન સહિત કુલ રૂા.૭.૯૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આરોપીઓ રાત્રિના સમયે બીએસએનએલ કંપનીના ટાવરની ઓરડીમાં રાખવામાં આવતી બેટરીઓ તેમજ વાડીમાંથી કપાસની ચોરી કરતા હતા. આ શખ્સોએ રાજકોટ ગ્રામ્ય, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, ગારિયાધાર સહિતના વિવિધ સ્થળોએ અન્ય સાથીદારો સાથે મળીને ૧૭ ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે ઝડપાયેલા ત્રણ સહિત અન્ય શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.