રાજકોટ અને મોરબીમાં ૩ સીએનજી ટેસ્ટીંગ સ્ટેશનોના અનુકૂળ ઇન્સ્પેકશન કરવા માટે ગાંધીનગરમાં પ્લાન્ટ ધરાવતા વચેટિયા પાસે રૂા. ૧.૫૦ લાખની લાંચ લેતો ભારત સરકારની પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (પેસો)ની ગુજરાતની એકમાત્ર સબ સર્કલ ઓફિસ વડોદરાનો કંટ્રોલર ગાંધીનગર સીબીઆઇના હાથે ઝડપાઇ ગયો હતો. પેસોમાં લાંચનો આ પહેલો કિસ્સો છે.
સીબીઆઇને એક ઓડિયો રેર્કોડિંગ મળતાં ગાંધીનગરથી ફિલ્મી ઢબે કારનો પીછો કરી ડીકોઇ કરી હતી. શહેરના ગેંડા સર્કલ સારાભાઇ કંપાઉન્ડ પાસે લાંચ લેનાર કંટ્રોલર અને આપનાર વચેટિયા સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. પેસોના કંટ્રોલરની ઓફિસ અને ઘરે સર્ચ કરતા રોકડ અને ઘરેણા મળી રૂા. ૧.૧૧ લાખની અસ્કયામતો મળી આવી હતી.
સીબીઆઇએ પીએફના એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનીશ તિવારીને પકડ્યા બાદ ૧૨ દિવસમાં જ લાંચના બીજા આરોપીને ઝડપી પાડતા વડોદરા લાંચિયા અધિકારીઓનું એપી સેન્ટર સાબિત થયું છે.
મૂળ રાજકોટનો સમ્રાટ કાપડિયા ગાંધીનગરના ઉવારસાડામાં પ્રિમીયમ હાઇડ્રો એન્જિનિયરિંગ નામનો સીએનજી સિલેન્ડર ટેસ્ટીંગ સર્વિસિસનો પ્લાન્ટ ધરાવે છે. તેની ઓફિસ અમદાવાદના ગોતામાં આવેલી છે.
સમ્રાટે રાજકોટ અને મોરબીમાં ૩ સીએનજી સ્ટેશનના અનુકૂળ નિરીક્ષણ માટે ગુજરાતની એકમાત્ર વડોદરા સયાજીગંજ સ્થિત યશ કમલ બિલ્ડીંગમાં આવેલી પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝર (પેસો)માં પ્રક્રિયા કરી હતી. પેસોના કંટ્રોલર અનિલકુમાર યાદવે તાજેતરમાં રાજકોટ અને મોરબીમાં ૩ સ્થળની તપાસ કરી હતી. ત્યારબાદ વચેટિયા સમ્રાટને ૩ સાઇટ સહિતના સ્થળોએ અનુકુળ પરીક્ષણ માટે એકના રૂા. ૫૦ હજાર મળી કુલ રૂા. ૧.૫૦ લાખની લાંચ આપવાની માગણી કરી હતી. આ માટે બુધવારનો વાયદો ગોઠવાયો હતો.
પેસોના કંટ્રોલર અનિલ યાદવની કચેરીમાં સીબીઆઇની ટીમે સર્ચ હાથ ધર્યું હતું. ટીમે પહોંચીને જોતા કચેરીમાં એજન્ટો, મીડિયેટરો અને બ્રોકરોના પ્રવેશ પર પ્રતિબંધની સૂચનાના બોર્ડ લાગેલા જોવા મળ્યા હતાં. આ જોતા કચેરીમાં મીડિયેટરો અને બ્રોકરોની ફરિયાદોના પગલે આ બોર્ડ લગાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સમ્રાટ કાપડિયા પણ લાયસન્સ માટે વચેટિયાની જ ભૂમિકામાં આવ્યો હોવાની વિગતો સૂત્રોમાંથી મળી છે. પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (પેસો) કચેરી સેફ્ટી ફસ્ટના મુદ્રાલેખ સાથે અંગ્રેજોના કાર્યકાળ ૧૮૯૮થી કાર્યરત હોવાનું યશ કમલ બિલ્ડીંગ સ્થિત ઓફિસ બહાર બોર્ડ મારેલું હતું. પેસોની વેબસાઇટ મુજબ, ગુજરાતમાં એકમાત્ર વડોદરામાં તેની સબ સર્કલ ઓફિસ આવેલી છે. દીવ, દમણનો પણ તેમાં સમાવેશ થાય છે.
કચેરીનું હેડ ક્વાર્ટર નાગપુરમાં છે તેમજ ગુજરાતની સર્કલ ઓફિસ નવી મુંબઇ ખાતે આવેલી છે. આ કચેરી વિસ્ફોટકોનું પરિવહન, પેકિંગ, એક્સપોર્ટ- ઇમ્પોર્ટ, પ્રોડકશન તેમજ સુરક્ષિત વ્યવહાર, રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સ, તેલ અને ગેસ નિર્મિત ઉપકરણ, સીએનજી સ્ટેશન પરીક્ષણ, એલપીજી, સીએનજીના લાયસન્સીંગ અને નિરિક્ષણ, પેટ્રોલનું ભૂમિ માર્ગ તેમજ પાઇપ લાઇનથી સ્થળાંતરણ, ફટાકડા ગોદામો સહિતના લાયસન્સ અને પરવાનગીનું કાર્ય કરે છે.