મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત એ માત્ર ભારતનું જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ વિકાસશીલ રાજ્ય તરીકે ઉભરી રહ્યું છે. ત્યારે વર્ક કલ્ચરને બદલીને કર્મચારીઓને કર્મયોગી બનાવવાનું અભિયાન સરકારે આરંભ્યુ છે તેમ આહવા ખાતે નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ બાદ આયોજિત કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું. પારદર્શિતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતા જેવા મુખ્ય ચાર આધાર સ્તંભો ઉપર કાર્યરત રાજ્ય સરકારે પ્રજાજનોની લાગણી, આશા, અપેક્ષાઓ અને સુખદુઃખને કેન્દ્ર સ્થાને રાખી, જ્યાં માનવી ત્યાં સુવિધાના સૂત્રને ચરિતાર્થ કરવાનું ભગિરથ કાર્ય ઉપાડયુ છે તેમ જણાવી, છેવાડાનો માનવી પણ સ્વમાનભેર આગળ વધે તે માટેના માર્ગ આ રાજ્ય સરકારે ખોલ્યા છે તેમ જણાવ્યું હતું.
સૌનો સાથ-સૌનો વિકાસ એ ઉદ્દેશને લક્ષ્ય સ્થાને રાખી રાજ્ય સરકારે ડાંગ જિલ્લામાં થયેલી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી, જિલ્લાને શ્રેષ્ઠતાની નવી ઊંચાઇએ લઇ જવા માટે સૌને ખભેખભા મિલાવીને કામ કરવાનો અનુરોધ કર્યો હતો.ડાંગના યુવાનોમાં ધરબાયેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના પ્રયાસના ભાગરૂપે, અહીં સ્પોટ્ર્સ એકેડમી સહિતની તમામ સુવિધાઓ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે તેમ જણાવી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગરીબોના ઉત્કર્ષ માટે પણ રાજ્ય સરકાર કૃતનિયી છે તેમ ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ ડાંગ જિલ્લાના પ્રજાજનોને તેમના મહેસૂલી અધિકારો મળી રહે તે દિશામાં રાજ્ય સરકાર હકારાત્મક્તાથી વિચાર કરી રહી છે તેમ જણાવી, આદિવાસી વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણ, તબીબી શિક્ષણ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવાની સરકારની ઝુંબેશનો પણ ખ્યાલ આપ્યો હતો.
તેમણે ડાંગ જિલ્લામાં પ્રવાસન પ્રવૃત્તિના વિકાસ સાથે સ્થાનિક રોજગારીના સર્જનની રહેલી ઉજળી તકોનો ખ્યાલ આપી, અહીં પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળે તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તેમ પણ જણાવ્યું હતું.