દુષ્કાળની પ્રવર્તમાન મુશ્કેલ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર કચ્છની સાથે : રૂપાણી

1236

ક્ષત્રિય સમાજે દેશ અને સંસ્કૃતિ માટે હંમેશા બલિદાનો આપેલ છે અને આપણા રજવાડાઓએ જયારે દેશને અખંડ કરવાનો હતો ત્યારે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેમણે મહામુલા રજવાડા દેશનાં ચરણોમાં ધરી દીધા હતા.
આમ ક્ષિત્રય સમાજની સમર્પણ ભાવના થકીજ ભારત દેશ આજે અખંડભારત બનેલ છે તેમ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભચાઉ ખાતે સમૂહ લગ્નોત્સમાં પ્રભુતાનાં પગલા પાડનાર  ૧૧૪ નવદંપતીઓને સંસાર જીવનની શુભકામના પાઠવતા જણાવ્યુ હતું.

મુખ્યમંત્રી વિજયભાઇએ કચ્છનાં દુષ્કાળને યાદ કરતા જણાવ્યુ કે ચાલુ વરસે દુષ્કાળમાં કચ્છનાં કોઇ લોકોને કે પશુઓને કોઇ જ પ્રકારની મુશ્કેલી ન અનુભવવી પડે તે માટે રાજય સરકારે સમયબધ્ધ પગલાઓ ભરેલ છે.

તેમણે કચ્છની ખમીરવંતી પ્રજાને પાણી પ્રશ્ને કોઈ મુશ્કેલી નહી પડે તેવી ખાત્રી ઉચ્ચારી હતી.

મુખ્યમંત્રી રુપાણીએ સગૌરવ જણાવ્યું કે,  કચ્છનો ઇતિહાસ ક્ષત્રિયોનાં ઇતિહાસ સાથે જ ગૌરવભેર વણાયેલ છે. ક્ષત્રિયોનો ઇતિહાસ હંમેશા બલિદાન અને વિરતાનાં પ્રતિક સમાન બની રહેલ છે. આ સમાજે દેશની રક્ષા કે સમાજની રક્ષા માટે બલિદાન આપવામાં કયારેય પાછી પાની નથી કરી તે આપણા બધા માટે ગૈારવવંતી બાબત છે.

આ તકે તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, સમાજના સુખે સુખી અને સમાજનાં દુઃખે દુઃખી થાય અને લોકોને સાથે રાખીને સામાજીક પ્રસંગોની ઉજવણી કરે  તે જ સાચો લોક પ્રતિનિધિ છે. આવા લોકપ્રતિનિધિશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાને તથાતેના પરિવારને રાજય સરકારતરફથી અભિનંદન પાઠવુ છું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, સમૂહ લગ્ન થકી સમાજ, કુટુંબ એક તાતણે બંધાય છે અને સામાજીક સંબંધો વધારે મજબુત બને છે. આવા સમૂહ લગ્નો સમાજનાં આર્થિક નબળાવર્ગનાં લોકો માટે ખરા અર્થમાં આર્શવાદરૂપ બની રહેતા હોવાથી દરેક સમાજમાં વધુમાં વધુ સમૂહલગ્ન થાય તે જરૂરી છે. આજનાં આ સમૂહ લગ્ન દરેક માટે ઉદાહરણરૂપ પણ છે કારણકે સમૂહલગ્ન તો ઘણા થતા હોય પણ તેમાં પોતાનાં પુત્રનાં પણ લગ્ન સમૂહમાજ કરે તે અનુકરણીય છે તે માટે પણ આ પરીવાર અભિનંદનીય છે.

આ તકે તેમણે  સ્વ. શ્રી બહાદુરસિંહ જાડેજા પરિવારનાં આ સદકાર્ય કરવા માટે અભિનંદન પાઠવતા કહ્યુ હતુ કે  સમાજની સામાજીક જવાબદારી અદા કરવી અને સમાજનાં સર્વાંગી ઉત્થાન માટે પ્રતિબધ્ધ બનવું અનિવાર્ય છે અને સમાજનું રૂણ અદા કરવું તે આપણો સામાજીક અગ્રીમ નાગરીક ધર્મ પણ છે. તે માટે આગેવાની લઇને સમાજનાં રાહ ચીંધનાર બનવું જોઇએ જે બીજા માટે પણ સદાય પ્રરણાત્મક બની રહે તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ.

સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ મંત્રીશ્રી વાસણાભાઈ આહિરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પથ પર ચાલીને સવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છ જીલ્લાના સર્વાંગી વિકાસ માટે હંમેશા ખ્યાલ રાખ્યો છે. પ્રવર્તમાન દુષ્કાળની પરિસ્થિતને ધ્યાને લઈ મુખ્યમંત્રીશ્રીએ અસરગ્રસ્ત વિસ્તાર માટે જાહેરાત કરી કચ્છના લોકોને અને પશુઓને કોઈજ મુશ્કેલી અનુભવવી ના પડે તે માટેનુ આગવુ આયોજન કર્યુ હોવાનું શ્રી વાસણાભાઈએ જણાવ્યું હતું.

ભચાઉ સદભાવના મેદાન ખાતે આયોજિત રાજપૂત ક્ષત્રિય સમાજના સમૂહ લગ્નોત્સવ આશીર્વચન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું શ્રી વિરભદ્રસિંહ જાડેજાના પરિવાર દ્વારા ઉમળકાભેર શાલ, તલવાર, પાઘડી અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ તકે વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા પણ મુખ્યમંત્રીશ્રીનું ઉસ્માભર્યું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રી કુલદીપસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચનમાં સમૂહ લગ્નોત્સવની માહિતી આપી હતી અને સામાજિક સમન્વયની  રૂપરેખા પૂરી પાડી હતી. તેમણે ઉપસ્થિત તમામ મહાનુભાઓનું સ્વાગત કર્યુ હતું.  શ્રી જેરુભા રાઠોડે ભવ્યાતિભવ્ય કચ્છ જિલ્લા ક્ષત્રિય સમૂહ લગ્નોત્સવની રૂપરેખા પુરી પાડી હતી.

સમૂહ લગ્નોત્સવ સમારોહમાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય સર્વશ્રી વિરેન્દ્રસીંહ જાડેજા, ડો. નિમાબેન આચાર્ય, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, અખિલ ભારતીય અગ્નિ અખાડાનાં મુકતાનંદજી બાપુ, પૂર્વ રાજ્યમંત્રી શ્રી કિરીટસિંહ રાણા, કલેકટરશ્રી રેમ્યા મોહન, કચ્છ જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી લક્ષ્મણસીંહ સોઢા, અગ્રણી સર્વશ્રી કેશુભાઇ પટેલ, શ્રી દીલીપભાઇ ત્રિવેદી, શ્રી બીપીનભાઇ દવે, શ્રી જોરૂભા રાઠોડ, શ્રી સાવજસિંહ જાડેજા, શ્રી સુરૂભા અનોપસિંહ જાડેજા, શ્રી બળુભા સમુભા જાડેજા, શ્રી જીલુભા જાડેજા, શ્રીમતી ચેતનાબા જાડેજા, રી જયદીપસીંહ જાડેજા,શ્રી અનોપસિંહ વાઘેલા, શ્રી રઘુવીરસિંહ જાડેજા, શ્રી જીતુભા વાઘેલા, શ્રી વીરમદેવસિંહ ચુડાસમા,  સમાજ શ્રેષ્ઠીઓ-દાતાશ્રીઓ, આગેવાનો તથા વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયા હતાં.

Previous articleજ્યાં માનવી ત્યાં સુવિધા આપવા, રાજ્ય સરકાર કટીબધ્ધ : સીએમ વિજય રૂપાણી
Next articleલોકોની સલામતી અને સુરક્ષા એ જ સરકારની પ્રાથમિકતા : નીતિન પટેલ