સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એકે સિકરીએ સીબીઆઈ વિવાદમાં સીબીઆઈના વડા નાગેશ્વર રાવના મામલામાં અરજીમાંથી પોતાને પાછા ખેંચી લીધા છે. અરજીની સુનાવણીમાંથી પોતાને સિકરીએ દૂર કરી લેતા આને લઇને ચર્ચા જોવા મળી હતી. વચગાળાના સીબીઆઈ વડા તરીકે એમ નાગેશ્વર રાવની નિમણૂંક કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકાર ફેંકીને જસ્ટિસ સિકરીના નેતૃત્વમાં બેંચ દ્વારા આવતીકાલે શુક્રવારના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવશે. જુદી બેંચ સમક્ષ આ મામલામાં સુનાવણી કરવામાં આવનાર છે. આજે સુનાવણી માટે આ મામલો આવતાની સાથે જ જસ્ટિસ સિકરીએ સિનિયર એડવોકેટ દુષ્યંત દવેને કહ્યું હતું કે, તેઓ આ મામલામાં સુનાવણી કરવા માટે ઇચ્છુક નથી અને પોતાને આ સુનાવણીથી દૂર કરી રહ્યા છે. અરજીદાર એનજીઓ કોમનકોઝ માટે ઉપસ્થિત થયેલા દુષ્યંત દવેને જસ્ટિસ સિકરી દ્વારા આ મુજબની વાત કરવામાં આવી હતી. જસ્ટિસ સિકરીએ કહ્યું હતું કે, તમે મારી સ્થિતિને સમજી શકો છો. હુ આ મામલામાં સુનાવણી કરી શકું નહીં. જસ્ટિસ સિકરી હાઈપાવર કમિટિના ભાગ રહી ચુક્યા છે જે સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્માને દૂર કરી ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પસંદગી કમિટિએ મેરેથોન બેઠક યોજીને સીબીઆઈ નિર્દેશક આલોક વર્માને હોદ્દા ઉપરથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. કમિટિના અન્ય સભ્યોમાં કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગે અને જસ્ટિસ એકે સિકરી સામેલ હતા. જસ્ટિસ સિકરી દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ તરફથી ઉપસ્થિત રહ્યા હતા. આ ગાળા દરમિયાન એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, નવા ડિરેક્ટરની નિમણૂંક થવા અથવા તો આગામી આદેશ સુધી સીબીઆઈના નિર્દેશક તરીકે નાગેશ્વર રાવ એજન્સીના વડા તરીકે કામકાજ કરતા રહેશે. જસ્ટિસ સિકરી આ મામલાથી દૂર થયા બાદ વકીલ દુષ્યંત દવેએ કહ્યું હતું કે તેઓ ખુબ હતાશ થઇ રહ્યા છે.