ખાણ કૌભાંડના મામલામાં સીબીઆઈના દરોડા બાદ સપાના વડા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના ડ્રીમ પ્રોજેક્ટમાં કૌભાંડને લઇને ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી રહેવાના ગાળા દરમિયાન રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અખિલેશનો ડ્રીમ પ્રોજેક્ટ હતો પરંતુ આમા કરોડો રૂપિયાના કૌભાંડનો આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલામાં આજે ઇડી દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આના કારણે અખિલેશની મુશ્કેલમાં સતત વધારો થઇ રહ્યો છે. ઇડીએ દેશના ચાર રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં દરોડા પાડવામાં આવ્યા છે.
ઇડીની કાર્યવાહી સિંચાઈ વિભાગના પૂર્વ અધિકારીઓ, એન્જિનિયરો, ગેમન ઇન્ડિયા કંપનીના અધિકારીઓના આઠ સ્થળો ઉપર હાથ ધરવામાં આવ હતી. લખનૌમાં ઇડીની ટીમોએ ગોમતીનગરના વિશાલખંડ અને રાજાજીપુરમ વિસ્તારમાં વ્યાપક દરોડા પાડ્યા હતા. ગોમતીનગરના વિશાલખંડ સ્થિત મકાન નંબર ૩-૩૨૦માં તપાસ કરવામાં આવી હતી. દસ્તાવેજોમાં ઉંડી તપાસ ચાલી હતી. ગોમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં કૌભાંડમાં ગયા સપ્ટેમ્બર મહિનામાં છ કંપનીઓ સામે સમન્સ જારી કરવામાં આવ્યું હતું. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે જે કંપનીઓ બ્લેકલિસ્ટેડ હતી તેમને રિવરફ્રન્ટના કામના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. આ કંપનીઓને વધારે ચુકવણી પણ કરવામાં આવી હતી. જે રકમ ઉપર કોન્ટ્રાક્ટ અપાયા હતા તેના કરતા પણ વધારે ચુકવણી કરવામાં આવી હતી. કેટલાક રાજ્યોમાં બ્લેકલિસ્ટેડ થઇ ચુકેલી ગેમન ઇન્ડિયાને બે કોન્ટ્રાક્ટ અપાયા હતા.