જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો ખાત્મો બોલાવવામાં સરકારને મોટી સફળતા હાથ લાગી છે. જમ્મુ-કાશ્મીરનો બારામૂલા જિલ્લો સંપૂર્ણ રીતે આતંકી મુક્ત થઈ ગયો છે. બુધવારના રોજ જમ્મુ-કાશ્મીરના પોલીસ કમિશનરે જણાવ્યું કે, બારામૂલામાં બુધવારના રોજ જવાનોએ વધેલા ત્રણ આતંકીઓને ઠાર કરી દીધા હતા. તેમણે જણાવ્યું કે આજની તારીખમાં બારામૂલામાં કોઈ પણ આતંકી જીવતો નથી બચ્યો.
જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં બુધવાર જવાનોની સાથે થયેલી એક અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર કરાયા હતા. આ અંગેની જાણકારી પોલીસે જ મીડિયાને આપી હતી.
એક પોલીસ અધિકારી એ જણાવ્યું કે, આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની જાણ થતા જ સેનાએ બારામૂલા જિલ્લાના બિન્નેર વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
તેમણે જણાવ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સેનાના જવાનો પર ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદથી જ જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. અધિકારીએ જણાવ્યું કે, સર્ચ અભિયાન દરમિયાન ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. તેમણે જણાવ્યું કે, ઘટનાસ્થળેથી હથિયારો અને અન્ય સામગ્રી હાથ લાગી છે. આ આતંકીઓ લશ્કર-એ-તોયબા સંગઠન સાથે જોડાયેલા હતા.
આતંકીઓની ઓળખ સુહૈબ ફારૂક અખૂન, મોહસિન મુશ્તાક ભટ અને નાસિર અહમદ દરજી તરીકે કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ઉત્તર કાશ્મીરમાં થતી આતંકવાદી પ્રવૃત્તિઓમાં આ આતંકીઓનો હાથ હતો.
ગત ૪ વર્ષોમાં સિક્યોરિટી ફોર્સે ૨૦૧૮માં સૌથી વધુ ૨૫૭ આતંકીઓ ઠાર કર્યાં. એજન્સીના જણાવ્યા મુજબ સુરક્ષાદળોએ ૨૦૧૭માં ૨૧૩, ૨૦૧૬માં ૧૫૦ અને ૨૦૧૫માં ૧૦૮ આતંકીઓ ઠાર કર્યાં હતા. ૨૦૧૮માં સેનાએ ૧૪૨ આતંકીઓને ૩૧ ઓગસ્ટ સુધી ઠાર કર્યા હતા. ઓગસ્ટ ૨૦૧૮માં સૌથી વધુ ૨૫ આતંકીઓને મારવામાં સફળતા મળી હતી.