આજે તા. ૨૪ જાન્યુ. ના રોજ મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત અને મ્યુ. કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે સુપોષિત ભાવનગર અભિયાન, મમતા દિવસ મેન્ટર અભિયાન, નેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડે ઉજવણી એમ ત્રિવિધ કાર્યક્રમ જિલ્લા પંચાયત ભાવનગરના સભાખંડ ખાતે યોજાયો હતો. આ ત્રિવિધ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને માન. મંત્રીએ જણાવ્યુ હતું કે આ પ્રકારના ત્રિવિધ કાર્યક્રમ થકી શહેર અને જિલ્લામાં રહેલ અંદાજે ૬૩૦૦ અલ્પ પોષિત બાળકોને તા. ૧૫ ઓગષ્ટ ૨૦૧૯ સુધીમાં જનભાગીદારીના માધ્યમ થકી પૂરક પોષણ આહાર આપી પોષિત બાળકોમાં રૂપાંતરિત કરવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરાયો છે.
મંત્રી વિભાવરીબેન દવે એ આરોગ્ય કર્મચારીગણ, આંગણવાડી વર્કરો, આશા બહેનોએ બેટી બચાઓ, બેટી વધાઓ વિષયે જિલ્લા પંચાયતથી જશોનાથ સર્કલ સુધી યોજેલ રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ. આંગણવાડી વર્કર બહેનોને પ્રતિકાત્મક સ્વરૂપે આરોગ્યલક્ષી ટી. એચ. આર. કાર્ડ આપવામા આવ્યા હતા. સમુહમાં બેટી બચાઓ પ્રતિજ્ઞા લેવાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી વક્તુબેન મક્વાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ,મ્યુ. કોર્પો. ના કમિશનર એમ. એ. ગાંધી, હેલ્થ ઓફીસર ડો. આર. કે. સિન્હા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાઠવા, મંજુલાબેન જોળીયા, જે. ઓ. માઢક, એ. કે. તાવિયાડ જી. પી. પરમાર, મ્યુ. કોર્પો. ની આરોગ્ય સમિતિના ચેરમેન રાજુભાઈ રાબડીયા, બાંધકામ સમિતિના ચેરમેન ઉર્મિલાબેન ભાલ વિગેરે ઉપસ્થિત રહેલ.