ચાઇનામૅન સ્પિનર કુલદીપ યાદવ અને રિસ્ટ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સાગમટે ત્રાટકીને હરીફ દેશોની ટીમો માટે માથાનો દુખાવો બની જતા હોય છે જ, તેમની વચ્ચે બહુ સારી મિત્રતા પણ છે. ક્રિકેટ બોર્ડની વેબસાઇટને આપેલી મુલાકાતમાં પણ કુલદીપ અને ચહલ વચ્ચેની ફ્રેન્ડશિપની ઝાંખી થઈ છે.
કુલદીપ અને ચહલે ભેગા મળીને વેબસાઇટના મનોરંજન વિભાગ પર મુલાકાત આપી હતી. એમાં કુલદીપે ચહલને કહ્યું હતું કે ‘જ્યારે પણ કોઈ મૅચમાં સામા છેડે તું ન હોય ત્યારે હું તને ખૂબ મિસ કરતો હોઉં છું. તું જે મૅચમાં નથી રમતો હોતો એમાં હું તને ખૂબ મિસ કરતો હોઉં છું.’
કુલદીપે કહ્યું હતું કે ‘હું અને ચહલ એકમેકની બોલિંગ વિશે ખૂબ સારી રીતે પરિચિત છીએ. હંમેશાં અમે બન્ને સામસામા છેડેથી બોલિંગ કરતા હોઈએ છીએ એવું નથી. ક્યારેક તે વહેલો બોલિંગ કરતો હોય છે અને હું પછીથી મોરચા પર આવતો હોઉં છું. જોકે, અમે પિચ વિશે અને બૅટ્સમૅન કેવું રમી રહ્યો છે એ એકમેકના વિચારો જાણી લઈએ છીએ.’