રાજકોટ શહેરમાં એક જ દિવસમાં ૪ બોગસ તબીબ પકડાતાં ચકચાર મચી ગઈ છે. રાજકોટની કુવાડવા પોલીસે બે બોગસ તબીબ ને ઝડપી પાડ્યા છે , એસઓજી પોલીસે એક બોગસ તબીબની ધરપકડ કરી છે, જ્યારે ગોંડલના જેતલસરમાં પણ એક બોગસ તબીબ પકડાયો છે. કુવાડવા પોલીસે બન્ને બોગસ તબીબ વિરુધ્ધ આઈપીસી કલમ ૪૧૯ તથા મેડીકલ પ્રેક્ટીસ એક્ટની કલમ ૩૦ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
રાજકોટ કુવાડવા પોલીસ સ્ટાફે બાતમીના આધારે આણંદપર અને નવાગામ ખાતેથી બે બોગસ તબીબ પકડી પાડ્યા હતા. વિજય જોટંગીયા અને લાલજી ચૌહાણ નામના બે બોગસ તબીબ કોઈ પણ જાતની ડીગ્રી વગર આ ગામમાં સરાજાહેર તબીબી પ્રેક્ટીસ કરતા હતા. પોલીસે બંને મુન્નાભાઈ એમબીબીએસની કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં બન્ને બોગસ તબીબ આશરે છેલ્લા દોઢ વર્ષથી મેડીકલ પ્રેક્ટીસ કરતા હોવાનું સામે આવ્યું છે.
અન્ય એક બોગસ તબીબ રાજકોટના મનહરપુર ગામ નજીકથી પકડાયો છે. રાજકોટ એસઓજીની તપાસમાં પ્રકાશ વ્યાસ નામનો આ બોગસ તબીબ કોઈ પણ જાતની ડીગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરી લોકોને પ્રાથમિક સારવાર આપતો હતો. તેની પાસેથી એલોપથી દવાનો જથ્થો પણ પકડાયો છે. પોલીસે રેડ દરમિયાન અલગ અલગ દવાઓનો જથ્થો, ઈજેક્શન, તેમજ રોકડ મળી કુલ ૫૩૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી પ્રકાશ વ્યાસ ૧૦ વર્ષ પહેલાં મેડીકલ સ્ટોર ધરાવતો હતો અને છેલ્લા ૧૦ વર્ષથી મેડીકલ પ્રેક્ટીસ કરી રહ્યો છે.