એક તરફ રાજ્યમાં પાણીની અછતને લઈને ૫૦ થી વધુ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. જ્યારે બીજી તરફ લાપરવાહ તંત્રના પરિણામે લાખો લિટર પાણી બર્બાદ થઈ ગયું. કચ્છમાં નર્મદાની મેઈન કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. આ ગાબડું ભચાઉના લૂણવા ગામ નજીક કેનાલમાં પડ્યું છે. ગાબડું એક નહીં પરંતુ બે પડ્યાં છે.
જેમાંથી લાખો લિટર પાણી વેડફાઈ રહ્યું છે. કેનાલનું પાણી આપસાપના ખેતરોમાં ફરી વળ્યું છે. એક તરફ અછતના કારણે સરકારે ખેડૂતોને પાણી આપવાની મનાઈ ફરમાવી. જ્યારે બીજી તરફ સરકારના જ તંત્રની બેદરકારીના કારણે આજે લાખો લિટર પાણી બેડફાઈ ગયું. ત્યારે સવાલ પણ અનેક થાય કે, ખેડૂતોના વિકાસના તાયફા કરનારી સરકાર પહેલા આ પ્રકારના ભ્રષ્ટાચારને ક્યારે ડામશે…?
અછત વચ્ચે લાખો લીટર પાણીનો વેડફાટ થયો તેના માટે જવાબદાર કોણ..? કેમ વારંવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યાં છે. શું કેનાલના બાંધકામમાં ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે આ ગાબડા…? વારંવાર પાણીના વેડફાટની આવી ઘટના બને છે. તેને લઈને સરકારે શું કર્યું..? આવા અનેક સવાલોના જવાબ રાજ્યના ખેડૂતો સરકાર પાસેથી માગી રહ્યા છે.
કેનાલમાં ગાબડું કે સિસ્ટમમાં..? ખેડૂતોનું કહેવું એમ છે કે જ્યારે અમારા ખેતરમાં ગાબડાંઓ પડે છે ત્યારે અમને લાખોનું નુકશાન થાય છે. એક બાજુ કેનાલનું પાણી કોઈક વાર છોડવામાં આવે છે. ત્યારે જ છોડતાંની સાથે જ મોટાં ગાબડાંઓ પડી જાય છે. જે ગાબડાને કારણે ઉભા પાકમાં ઘણું બધું નુકશાન આવે છે.
જ્યારે ગાબડાનાં રીપેર કામ માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને કહે છે. ત્યારે કોઈ જ સાંભળતું નથી અને પોતાનાં પાકને બચાવવા માટે ખેડૂતોએ જાતે પૈસા ઉઘરાવીને આ ગાબડાં રીપેર કરવા પડે છે જ્યારે કોઈ કોન્ટ્રાક્ટરો સામે ઉંચા અવાજે બોલે તો તે કેનાલમાં પાણી બંધ કરી દે છે અને ખેડૂતોને આવી રીતે માનસિક ત્રાસ આપવામાં આવે છે. હાલમાં તો ખેડૂતોની કેનાલોને કારણે ખુબ જ કપરી પરિસ્થતિ જોવાં મળી રહી છે.
છેવાડાનાં ગામોમાં જે કેનાલ આવેલી છે તે કેનાલો જ્યાં પૂર્ણ થાય છે ત્યાં યોગ્ય વ્યવસ્થા ના હોવાને કારણે લાખો લીટર પાણી ખેડૂતોનાં ખેતરમાં વેડફાઈ જતું હોય છે. જેનાં કારણે મોટા પ્રમાણમાં જમીનોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયેલાં જ રહે છે. જેનાં કારણે ખેડૂતોનાં ખેતર બોટમાં ફેરવાઈ ગયાં છે. ખેડૂતોનું કહેવું એમ છે કે આ પાણીનો યોગ્ય નિકાલ નહીં આવે તો તેઓ આત્મવિલોપન કરવાની પણ ચીમકી આપી રહ્યાં છે.
કેટલાંક ખેડૂતોને ત્યાં પાણી પહોંચતું નથી જેનાં કારણે હાલ પણ હજારો એકર જમીનમાં વાવણી કરવામાં આવતી નથી. જેથી ખેડૂતોએ વારંવાર આવેદનો આપ્યાં અને રજૂઆતો કરી તેમ છતાં પણ યોગ્ય ન્યાય હજી સુધી મળ્યો નથી.