કલોલ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શેઠ કે. જી.એમ.ગર્લ્સ હાઈસ્કૂલના ૫૦ વર્ષ પુરા થતાં તેની ગૌરવગાથા રજૂ કરતા સુવર્ણ જ્યંતી મહોત્સવનો ગુરૂવારથી પ્રારંભ થયો હતો. જેમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને દીપ પ્રાગટ્ય કરી ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ અને દાતાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.
શિક્ષણમંત્રીએ ૫૦ વર્ષ પહેલાં દીકરીઓના શિક્ષણની ચિંતા કરી અલગ શિક્ષણ સંકુલ ઉભું કરનારા મંડળના શ્રેષ્ઠીઓને યાદ કરી એ સમયે બેટી ભણાવો અભિયાન શરૂ કરવા બદલ વંદન કરી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘આજે સમાજમાં શિક્ષકો જ શ્રેષ્ઠ અને સંસ્કારયુક્ત નાગરિકોનું ઘડતર કરી શકે તેમ છે એટલે હું શિક્ષકોને મારો પરિવાર માનું છું.’
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભેપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ઉદ્ધાટક તરીકે પાશ્વનાથ કોર્પોરેશન અમદાવાદના જયંતિભાઇ પટેલ, મેમનગર જૈન સંઘના ટ્રસ્ટી પ્રવિણભાઇ શાહ તેમજ સોવેનિયર વિમોચક તરીકે કલોલ તાલુકા કેળવણી મંડળના પ્રમુખ હસમુખભાઇ સી. શેખ, એલીસબ્રીજ સ્થા.જૈન સંઘના પ્રમુખ નિલેષભાઇ પાટડીવાળા તેમવ અતિથી વિશેષ તરીકે કલોલના ધારસભ્ય બળદેવજી ઠાકોર અને સી.યુ.શાહ કોલેજ અમદાવાદના પૂર્વ પ્રિન્સિપાલ પ્રતિબહેન શાહ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
મંડળના ટ્રસ્ટી મંત્રી પ્રફુલભાઇ આર.તલસાણીયા સહિત કેળવણી મંડળના હોદ્દેદારોએ ઉપસ્થિત મહેમાનો તેમજ શાળામાં અભ્યાસ કરી ચુકેલી અને હાલમાં સફળતાના શિખરો સર કરતી વિદ્યાર્થીનીઓ એ જેમને સંસ્થાનો રૂણ અદા કરવા ઉદાર હાથે દાન આપ્યુ હતું.
તેમનુ સન્માન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે દેશ-વિદેશમાંથી આવેલી ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ અને દાતાઓનું શિક્ષણમંત્રીના હસ્તે મેમેન્ટો આપી સન્માન કર્યું હતું. પ્રફુલ ભાઈ તલસાનિયાએ શિક્ષણ સંકુલનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે કલોલ તાલુકા કેળવણી મંડળની વિવિધ સંસ્થાઓનાં સ્ટાફ પરિવાર, વાલીઓ, વિદ્યાર્થીઓ અને નગરજનો તેમજ ભૂતપુર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.