તારીખ ૨૬મી જાન્યુઆરી-૧૯૫૦ ના રોજ ભારત પ્રજાસત્તાક દેશ બન્યો અને તેના એક દિવસ પૂર્વે તારીખ ૨૫મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ ભારતીય ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. દર વર્ષે ૨૦૧૧થી આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં રાજ્યપાલ ઓ.પી. કોહલીએ જણાવ્યું હતું કે, દેશ અને રાજ્યમાં શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણીઓ યોજાય તે લોકતંત્રની સાચી ઓળખ છે. મતદાતા એ લોકશાહીના સંરક્ષક છે.
આ પ્રસંગે રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ભારતમાં વિવિધ સંસ્કૃતિ, ભાષા, ધર્મ-સંપ્રદાય, પ્રાંત, ભૌગોલિક પરિસ્થિતિ, શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં અનેક અડચણો વચ્ચે પણ દેશમાં ચૂંટણી પ્રક્રિયાઓ સફળ રીતે સંપન્ન થાય છે તે માટે તેમણે તમામ અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આપણો દેશ પ્રજાસત્તાક દેશ છે, લોકશાહીનો મુખ્ય આધાર ચૂંટણી છે. આપણા દેશની લોકશાહી વધુને વધુ પરિપક્વ બની રહી છે. મતદાતા નિડર રહી મતદાન કરે એ તંદુરસ્ત લોકશાહી માટે અત્યંત આવશ્યક છે. જે લોકો ચૂંટણી પ્રક્રિયામાં નિરૂત્સાહી રહે છે તેઓને વધુ મતદાન કરવા માટે પ્રેરિત કરવા જોઈએ. લોકતંત્રને મજબૂત બનાવવા માટે ભારતીય ચૂંટણી આયોગ તેમજ વિવિધ રાજ્યોના ચૂંટણી આયોગની વિશ્વસનિયતા મહત્વપૂર્ણ છે તે માટે જે કામગીરી થઈ રહી છે તે ખૂબ જ સરાહનીય છે તેમ પણ રાજયપાલે ઉમેર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોને રાજ્યપાલે મતદાન માટે તેમજ અન્ય લોકોમાં મતદાન માટે જાગૃતિ ફેલાવવા અંગે શપથ લેવડાવ્યા હતા.
રાજ્ય ચૂંટણી કમિશનર વરેશ સિંહાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમયે દરેક મતદારે મતદાન કરવું જોઈએ જેનાથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વરાજ્યનું સ્વપ્ન સિદ્ધ થશે.
રાજ્ય માહિતી આયોગના પૂર્વ કમિશનર બલવંતસિંહે કહ્યું હતું કે, દેશ અને રાજ્યના ચૂંટણી આયોગે વિવિધ સુધારા કર્યા છે જેના પરિણામે મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો છે.
મતદાર યાદી સુધારણા-૨૦૧૮માં શ્રેષ્ઠ કામગીરી કરનાર સાબરકાંઠા કલેકટર પ્રવિણા ડી.કે., નવસારી કલેકટર ડૉ. એમ.ડી.મોડિયા, પાટણ કલેકટર આનંદ.બી.પટેલ, તાપી કલેકટર એન.કે.ડામોરને શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે જયારે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે જામનગરના એમ.એમ. જોષી, પોરબંદરના કે. જી. ચૌધરી, સુરતના સી.પી.પટેલ અને બનાસકાંઠાના વાય.પી. ઠક્કરને રાજ્યપાલના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. મતદાર નોંધણી અધિકારીમાં ૪૧-ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારના ભારતીબેન વાઘેલા, ૩૮-કલોલ મત વિસ્તારના નેહાકુમારી અને ૨૯-ખેડબ્રહ્માના કે.એસ.મોદીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના અંગત સચિવ ડી.એમ.ડાંગર, સેકશન અધિકારી એમ.ડી. મુદલીયાર અને સેવક ભરતભાઈ શાહને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને કેમ્પસ નાયબ મામલતદારો, સુપરવાઈઝર્સ, કેમ્પસ એમ્બેસેડર તેમજ બૂથ લેવલ ઓફિસર્સને મતદારયાદી સુધારણામાં સારી કામગીરી બદલ સન્માનિત કરાયા હતા.
મતદારોને આકર્ષવા બદલ સ્ટેટ આઈકોન્સ માર્શલ આર્ટના વિસ્પી કાસદ અને ઈન્ડિયન પેરા બેડમિન્ટન પ્લેયર પારૂલ પરમારને સન્માનપત્ર અપાયા હતા.
વર્ષ દરમિયાન મતદાર યાદી સુધારણા-૨૦૧૮ અંતર્ગત ફોક આર્ટ, કાર્ટુન, સ્નેપ શોર્ટ જેવી વિવિધ સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિજેતા સ્પર્ધકોને ઈનામ આપવામાં આવ્યા હતા.
મુખ્ય નિર્વાચન અધિકારી એસ. મુરલીકિષ્ણાએ સ્વાગત પ્રવચન કર્યં હતું. જયારે આભારવિધિ ગાંધીનગર જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે.લાંગાએ કરી હતી.
આ પ્રસંગે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી અશોક માણેક, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી એસ.એમ. પટેલ, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી જયદીપ દ્વિવેદી, એમ.એ.ગોરિયા અને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના અધિકારીઓ- કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.