ગુજરાતનું એક ગામ એવું છે જે સંપૂર્ણ દેશભક્તિના રંગે રંગાયેલું છે. આ ગામમાં માત્ર ૨૬મી જાન્યુઆરી કે ૧૫મી ઓગસ્ટના દિવસે જ નહી પરંતુ ૩૬૫ દિવસ આ ગામમાં દેશભક્તિ જોવા મળે છે. જુનાગઢના પીખોર ગામમાં એક નહી, બે નહી પરંતુ ૪૨ યુવાનો આર્મીમાં ભરતી થઇ દેશની સેવા કરી રહ્યા છે.
આ ગામની શેરીઓમાં પણ દેશભક્તિ જોવા મળે છે. મોટાભાગના ઘરોમાં જોવા મળે છે લશ્કરમાં ભરતી થયેલા યુવાનોની તસ્વીરો. આ ગામ જુનાગઢ જીલ્લાના માળિયા હાટીના તાલુકાનું પીખોર ગામ છે. આ ગામમાંથી ૪૨ યુવાનો ભારતીય સેનામાં ફરજ બજાવી દેશની સેવા કરી રહ્યા છે. આ ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય સેનામાં યુવાનો ભરતી થઇ રહ્યા છે. વંશ પરમ્પરા હોય તે રીતે જેના પિતા ફોજમાં હતા તો તેનો પુત્ર હવે ભારતીય સેનામાં ભરતી થયા છે અને પોતાના એકના એક પુત્ર હોવા છતાં દેશ માટે અર્પણ કરી દીધા હોવાનો ગર્વ તેમના માતા-પિતા કરી રહ્યા છે.
આ ગામની વસ્તી ૨૦૦૦ કરતા પણ વધારે છે. ગામમાં મોટાભાગના લોકો ખેતી ઉપર આધારિત છે. ત્યારે ગામમાંથી એક પછી એક યુવાનો ભારતીય સેનામાં ભરતી થઇ અને ગામનું ગૌરવ જાળવી રાખ્યું છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રથમ એવું ગામ હશે કે જ્યાં એક સાથે ૪૨ યુવાનોમાં પોતાની ભારત માતાની સતત સેવા કરી રહ્યા છે. આ યુવાનો જયારે પણ ગામમાં આવે ત્યારે બેરોજગારો યુવાનોને તાલીમ આપે છે અને ભારતીય સેનામાં ભરતી થવા સમજાવે છે.