તાયફા….તાયફા…તાયફા… રાજ્યની સરકાર બસ તાયફા જ કરે છે..કે, શિક્ષણમાં ગુજરાત અવ્વલ છે. શિક્ષણનું સ્થળ સુધરી રહ્યું છે. બાળકોને હવે ભણતરનો ભાર નહીં લાગે.
બાળકોને હવે ડિઝિટલ જ્ઞાન મળશે.પરંતુ વાયદા અને ભાષણો આજે રાજકોટના દેવગામમાં તાયફા જ સાબિત થયા છે. કારણ કે, તાયફાઓ કરનારી સરકારના કારણે આજે ગુજરાતના ભાવીને ભેંસોના તબેલામાં ભણવાનો વારો આવ્યો છે. ગામમાં શાળા તો હતી. પરંતુ એક વર્ષ પહેલા તેને તોડી પાડવામાં આવી અને આજ સુધી શાળા ફરી બની જ નથી.
ઉલ્લેખનીય છે કે, બાળકો માટે શિક્ષણ વિભાગે અન્ય કોઈ જગ્યાની વ્યવસ્થા કરવી પણ યોગ્ય ન સમજી. જેના કારણે બાળકોને ભણવા માટે ભેંસોના તબેલાનો સહારો લેવો પડ્યો. જોકે આ અંગે અનેક રજૂઆતો પણ કરી છે. પરંતુ શિક્ષણ વિભાગ આ રજૂઆતોને ધ્યાનમાં લેતું નથી. જેના કારણે આજે ૧૨૫ બાળકોને આ તબેલામાં અભ્યાસ કરવો પડી રહ્યો છે. હાલ કડકડતી ઠંડીનો માહોલ છે તેવામાં આ રીતે ખુલ્લામાં બેસી અભ્યાસ કરવો ખુબ કઠીન છે. પરંતુ બાળકો અને શિક્ષક પાસે અન્ય કોઈ રસ્તો પણ નથી ત્યારે આ ઘટનાને લઈને શિક્ષણ વિભાગ સામે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે, શું આ છે ગુજરાતમાં શિક્ષણની અવદશા…? ક્યાં ગયા શિક્ષણની મોટી-મોટી વાતો કરનારા નેતાઓ…? ક્યાં ગયા રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા…? પ્રાઈવેટ સ્કૂલો પાછળ ખુબ ધ્યાન આપ્યું, હવે જરા સરકારી સ્કૂલો સામે પણ થોડું ધ્યાન આપી દો..?
ક્યાં ગયું ભાર વીનાના ભણતરની વાતો કરનારું શિક્ષણ વિભાગ..? ગુજરાતનું ભાવી કેમ તબેલામાં શિક્ષણ લેવા મજબૂર બન્યું…? પ્રવેશોત્સવના નામે તાયફા કરી કરોડો ઉડાવો છો. તો જરા આ શાળાના સમારકામ માટે પણ થોડા રૂપિયા આપી દો..? આવી રીતે ગુજરાતને તમે શિક્ષણમાં આગળ ગણાવી રહ્યા છો..? કાંઈ નહીં તો જરા આ ઠંડીમાં ઠુઠવાતા ૧૨૫ બાળકો તરફ તો નજર કરી જુઓ..?