જામનગરના ધ્રોલ ખાતે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિના મોત થયા છે. જ્યારે અન્ય બે વ્યક્તિ ઇજાગ્રસ્ત હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને મૃતકોની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. જામનગરનો એક પરિવાર કોઇ કામથી વર્ના કાર લઇને સુરેન્દ્રનગર જઇ રહ્યો હતો તે દરમિયાન ધ્રોલ નજીક ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કુદીને બીજી સાઇડ જઇ સ્વિફટ કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં સ્વિફટ કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો. ત્યારે વર્ના કાર પલ્ટી મારી ગઇ હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં બંને કાસમાં સવાર કુલ ૫ વ્યક્તી હતા. જેમાં ત્રણ વ્યક્તિના સ્થળ પર મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મૃતક ત્રણેય વ્યક્તિના મૃતદેહને ધ્રોલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઇજાગ્રસ્તોને હાલ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. અકસ્માતની ઘટનાને પગલે પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતકોની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે