સમાજ પ્રત્યે પ્રેમ અને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, આ બધુ પ્રદર્શિત કરવા માટે છે કે તેના પ્રત્યે ફરજ બજાવવા માટે છે ? અવનવા કાર્યક્રમો આપી તે, કાર્યક્રમો રજુ કરી લ્યો એટલે વાહ વાહ..! પ્રદર્શન કરનારા અને નારા લગાવનારા પણ ખુશ અને તેને જોઈને તાળીઓ પાડનારા પણ ખુશ વાહ રાષ્ટ્રપ્રેમ અને વાહ રાષ્ટ્રભક્તિ !
રાષ્ટ્રપ્રેમ ભક્તિ માત્ર રાષ્ટ્રીય પ્રતિકોના દર્શન, પ્રદર્શક કે તેના જ કાર્યક્રમો પુરતી સિમીત હશે તેવો દેખાવ સર્વત્ર લાગી રહ્ય છે બાર મહિનામાં બે વખત સ્વાતંત્ર્ય દિવસ અને પ્રજાસત્તાક દિવસ ખાદીના કે ગમે તેવા ઝભ્ભા લેંઘા સાથે ધ્વજવંદન કરવા જાવ એટલે રાષ્ટ્ર પ્રત્યે વફાદાર, રાષ્ટ્રપ્રેમી ખાદીનો પહેરવેશ પહેરો એટલે સમાજ સેવક…આવુ જોઈએ છીએ, કરીએ છીએ અને વળી માનીએ પણ છીએ.!
કોઈ એક આધુનિક પોષાકમાં આપણી પાસે આવે અને તે કોઈના માટે રક્તદાન કરીને આવ્યો હોય બીજા તરફ ગમે તેવી ગોલમાલ કરી કફની ઝભ્ભો પહેેરી આપણી પાસે આવે આ બંન્નેમાં આપણે સમાજ સેવક માનીએ છીએ ? પ્રશ્ન સૌની આસપાસ કાર્યક્રમને માટે રહેલો છે..!
ધ્વજવંદન માટે કોણ લાયક વ્યક્તિ છે ? જેમના હાથે તિરંગો ફરકાવવો હોય તે વ્યક્તિ કે કેવી હોવી જોઈએ ? સમજ્યા તમે ? કેવી વ્યક્તિ હોવી જોઈએ અને કેવી હોય છે ? કેટકેટલાયે કૌભાંડો કર્યા હોય, મોટા આવા નેતાઓને વળી તપાસ પણ ચાલતી હોય, તો પણ સુંદર મજાના પહેરવેશમાં રાષ્ટ્રના પનોતા પુત્ર બની જઈ કેવા ઠાવકા થઈને ધ્વજવંદન કરીને ભાષણ આપતા હોય છે ? કઠણાઈ છે. આપણી લોકશાહીની આ આડઅસર તો જુઓ !
ગ્રામ પંચાયતથી લઈ સંસદ સુધી બેઠેલા પ્રતિનિધિત્વ કરી રહેલા કાર્યકરો આગેવાનો, નેતાઓ..આ બધા સમાજ સેવા માટે જોડાતા રહે છે. પરંતુ પોતાની ચૂંટણીના હિસાબો સાચા આપે છે. ખરા ? ચૂંટણી પંચના નિયમો મુજબ આ ઉમેદવારોએ ખર્ચ કરવાના હોય છે. જ્યારે નિયમ વિરૂધ્ધ ખર્ચ કરી ચૂંટણી જત્યા હોય છે. પ્રારંભમાં જ કાયદાનો ભંગ આગળ ઉપર સમાજની સેવા કેવી થશે ? હોવાની શપથવિધી માત્ર લેવા માટે હોય છે. અનુસરવા માટે હોય તો તો તેઓને પણ પાંચ વર્ષ પુરા કરવા અઘરા પડી જાય.
માત્ર નેતાઓની જ વાત નથી, નાગરિકો પણ ક્યાં રાષ્ટ્રને વફાદાર જોવા મળે છે ? પોતાના કોઈ ખોટા કામ તંત્ર પાસેથી કઢાવી લે તે જ તો ‘હોશિયાર’ગણાય છે. બીજા કોઈ ખોટુ કામ કરે તો તે ‘રાષ્ટ્રદ્રોહી’લાગવા માંડે છે. કોઈ નેતા આપણું ખોટુ કામ તેના અધિકારી પાસેથી કઢાવી આપે તો એ નેતા વ્યવહાર કુશળ ગણાય, આ માટે બીજા વ્યવહાર ભલે કરવા પડે બોલો..!
સમાજ સેવા માટે નેતા બનેલા પ્રતિનિધિઓ ચૂંટાયા પછી જે તે વિસ્તાર કે પ્રજા સામે જુએ છે ખરા ? ના..ના..ના..! પ્રજાનો ‘સેવક’ પછી પ્રજાનો ‘સાંઢ’ બની જાય છે. આપણા જ મતથી તે ‘સાંઢ’બની જાય છે. પણ ફરી બીજી ચૂંટણીમાં આપણે તો આપણી જ્ઞાતિ, આપણી જાતિ, આપણો વિસ્તાર, આપણો પક્ષ વગેરે મુદ્દાઓથી ‘સાંઢ’બનવા જ તેવાની ચૂંટીએ છીએ ! મતદાનએ પવિત્ર ફરજ છે. એ ભુલી જઈએ છીએ અને મતદાન એ સ્વાર્થી જ્ઞાતિવાદી કે પક્ષાપક્ષી સાથેની ફરજ છે તેવું આપણે માનીએ છીએ, પછી પાંચ વરસ ભોગવીએ છીએ.!
રાષ્ટ્ર સ્વતંત્ર્ય થયાને કેટલાં વર્ષો થયા પણ હજુ કઈને કંઈ વસવસો રહ્યા કરે છે, વહ્યા કરે છે. એક વિદેશની ગુલાબીમાંથી મુક્ત થયા અને હવે સ્વદેશી ગુલામી ભોગવી રહ્યા છીએ કારણ કે રાષ્ટ્ર શું ? સ્વતંત્રતા શું ? સમરસતા શું ? સાર્વભૌમત્વ શું ? કશુ જ જાણતા નથી. બસ જય હિન્દ, જયભારત વંદે માતરમ્..આવા નારા લગાવીને દેશ રાષ્ટ્રનો જય જય કાર કરી લઈએ છીએ એટલે પુરૂ..! વિવિધ જોગવાઈ, કાયદા સહાય, વગેરેમાં ગરીબ પછાત વધુને વધુ પાછળ ધકેલાય વગેરેમાં કેટલાય તેનો ગેરલાભ લઈ માલેતૂજાર બની રહ્યા છે. સરકારના આંકડા માયાઝાળમાં આ વંચિતો આગળ આવી રહ્યા છે. અરે..રે.! સમાજ સેવા કે સમાજ પ્રેમ બધુ કાર્યક્રમોમાં સમાઈ ગયુ લાગે છે. જાત જાતના અને ભાત ભાતના સુત્રોચ્ચાર કરો, નારા લગાવો એટલે રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રભક્તિ પુરી..!? પણ આવું થઈ રહ્યુ છે, આપણે જ કરી રહ્યા છીએ.. નેતાઓને આપણે જ બનાવીએ છીએ. દોષ આપણો જ છે. જય હો..!