રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત કવિ બોટાદકર કોલેજ ખાતે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાતા દિવસનું મહત્વ સમજાવતા જણાવ્યું હતુ કે, મતદારો એ લોકશાહીના આધાર સ્તંભ છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં મતદાતા એ લોકતંત્રનો સંરક્ષક છે. આપણી પરંપરા – સંસ્કૃતિમાં જ લોકશાહી વણાયેલી છે. પંચાયતી રાજ પહેલા પણ આપણા ગામડાઓમાં ‘‘પંચો’’ દ્વારા હાથ ધરાતું કાર્ય એ લોકશાહીના પ્રતિબિબરૂપ છે.
આજના દિવસથી બોટાદ જિલ્લાના મતદારોની સહાયતા માટે શરૂ કરવામાં આવેલા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૩૫૨૧ નો ઉલ્લેખ કરી મતદારોને જરૂર જણાયે આ ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી. એમ. ગોહિલએ નેશનલ વોટર્સ ડે ની વિસ્તૃત વિગતો આપી હતી.
આ ઉપરાંત વયોવૃધ્ધ મતદારો તથા દિવ્યાંગ મતદારોનું સુતરની આંટીથી સન્માન કરવામાં આવ્યું હતુ. જ્યારે નવા નોંધાયેલા યુવા મતદારોને ચૂંટણીકાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પહેલા કવિ બોટાદકર કોલેજ ખાતે વકૃત્વ સ્પર્ધા – નિબંધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેના વિજેતાઓનું પ્રમાણપત્ર તેમજ ઈનામ આપી સન્માન કરાયું હતુ.