ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી સાયના નેહવાલે આજે ઇન્ડોનેશિયન માસ્ટર્સમાં તાજ જીતી લેવામાં સફળતા મેળવી હતી. ફાઇનલમાં તેની સામે સ્પેનની શક્તિશાળી ખેલાડી કેરોલીના મારિન હતી પરંતુ ૧૦ મિનિટ બાદ જ તેના પગમાં ઇજા થઇ જતાં તેને ખસી જવાની ફરજ પડી હતી. આની સાથે જ સાયના નેહવાલ ચેમ્પિયન બની ગઈ હતી. ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતનાર સાયના નેહવાલ અને મારિન વચ્ચે જોરદાર ટક્કર થવાની આશા હતી પરંતુ ચાહકોને નિરાશા હાથ લાગી હતી. મારિન આ મેચમાં પ્રથમ ગેમમાં ૯-૩થી આગળ ચાલી રહ હતી પરંતુ તેના પગમાં એકાએક પીડા થતાં તે પડી ગઈ હતી અને તે રમી શકવાની સ્થિતિમાં રહી ન હતી. એક વખતે તે રમવાના પ્રયાસમાં ઉભી થઇ હતી અને સ્કોરને ૧૦-૩ સુધી લઈ ગઈ હતી પરંતુ પીડા વધી જતા ૧૦-૪ના સ્કોર પર તેને ખસી જવાની ફરજ પડી હતી. પીડા એટલી વધારે હતી કે, ત્રણ વખતની ચેમ્પિયન વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન મારિન એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહી ન હતી. સાયના નેહવાલ આ વર્ષે પ્રથમ ટ્રોફી જીતવામાં સફળ રહી છે. એક સપ્તાહ પહેલા જ મલેશિયન માસ્ટર્સની સેમિફાઇનલમાં તે પરાજિત થઇ હતી. એ વખતે મારિનના હાથે જ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. એ વખતે સાયનાની ૧૬-૨૧ અને ૧૩-૨૧થી જીત મેળવી હતી. ગયા વર્ષે તે ઇન્ડોનેશિયન માસ્ટર્સમાં રનઅર્પ રહી હતી. તે વખતે તે ફાઇનલમાં પરાજિત થઇ હતી. આજે પણ તેની સામે મારિને શરૂઆતમાં જોરદાર રમત રમી હતી અને લીડ મેળી લીધી હતી. પરંતુ ઇજાગ્રસ્ત થતાં તેને ખસી જવાની ફરજ પડી હતી. આની સાથે જ તેને ચેમ્પિયન બનવાની તક મળી હતી. સાયના નેહવાલ નવા વર્ષમાં જોરદાર દેખાવ કરી રહી છે.