લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ ફેબ્રુઆરીના અંતે કે માર્ચ મહિનાના પહેલા અઠવાડિયે સત્તાવાર રીતે જાહેર થઇ જશે. ચૂંટણીનું મતદાન એપ્રિલ અને મે મહિનામાં યોજાશે. આ વખતે ભાજપને હરાવવા માટે કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારક અને યુવાનોમાં લોકપ્રિય બનેલા પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવ બનાવીને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે. લોકસભાની ચૂંટણીમાં યુપીની ૮૦માંથી કોંગ્રેસને માત્ર ૨ બેઠકો મળી હતી આથી કોંગ્રેસે પ્રિયંકાને પોતાની તમામ તાકાત લગાવી દેવા માટેની સૂચના આપી છે. સૂત્રો જણાવે છે કે ગુજરાતમાં ગત ચૂંટણીમાં ભાજપે તમામ ૨૬ બેઠકો જીતી લીધી હતી. આ વખતે પણ કોંગ્રેસની સ્થિતિ કફોડી ના બને તે માટે પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં મોકલાશે. સૂત્રો કહે છે કે પ્રિયંકા ગાંધી આગામી દિવસોમાં અમદાવાદમાં આવશે અને પ્રદેશના નેતાઓ અને આગેવાનો સાથે ચર્ચા કરશે તેમજ ભાજપ સામે કઈ રીતે જીતી શકાય તેનું માર્ગદર્શન આપશે.
ઉપરાંત કયા જિલ્લામાં અને કયા વિસ્તારોમાં કોંગ્રેસની સ્થિતિ નબળી છે તેની વિગતો મેળવશે અને ત્યારબાદ ભાજપના મજબૂત ગણાતા વિસ્તારોમાં જાહેર સભા પણ યોજાશે. પ્રિયંકા ગાંધી ગુજરાતમાં આવે તે માટેનું આયોજન હાથ ધરાઇ રહ્યું છે.