સેફ્ટી ક્લિયરન્સ, ટ્રાયલ અને ટેસ્ટની પ્રક્રિયાને પાર કરી લેવામાં આવ્યા બાદ દેશમાં નિર્મિત સેમી હાઈસ્પીડ ટ્રેન-૧૮ યાત્રીઓની સેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અધિકારીઓએ કહ્યું છે કે, આ ટ્રેન-૧૮ના ટિકિટ શતાબ્દીની સરખામણીમાં ૪૦થી ૫૦ ટકા વધારે રહેશે. અધિકારીઓના કહેવા મુજબ ટ્રેન-૧૮ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલીઝંડી દર્શાવશે. આના માટે વડાપ્રધાન કચેરીનો સંપર્ક કરવામાં આવી ચુક્યો છે. પ્રથમ ટ્રેન નવી દિલ્હી અને વારાણસી વચ્ચે દોડશે. વારાણસી વડાપ્રધાન મોદીના લોકસભા મતવિસ્તાર તરીકે પણ છે. લીલીઝંડી મળ્યા બાદ ખુબ ઝડપથી આ ટ્રેન દોડશે. એન્જિન વગરની ટ્રેન-૧૮ના ટ્રેક્શન ઇક્વિપમેન્ટ બોગીની નીચે મુકવામાં આવ્યું છે. સરકારના ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટર દ્વારા ગુરુવારના દિવસે આને લીલીઝંડી આપવામાં આવી હતી. હવે નવી દિલ્હી-વારાણસી રુટ પર ટ્રેન-૧૮ના ઉદ્ઘાટન માટે પીએમઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ મહિનામાં જ રેલવે મંત્રી પીયુષ ગોયેલે કહ્યું હતું કે, ટ્રેન-૧૮ નવીદિલ્હી અને વારાણસી વચ્ચે દોડાવવામાં આવશે.
આ ગાળા દરમિયાન કાનપુર અને પ્રયાગરાજમાં રોકાઇને આઠ કલાકની અંદર કુલ ૭૫૫ કિલોમીટર સુધી પહોંચી જશે. આ રુટ પર સૌથી ઝડપથી દોડનાર ટ્રેન રહેશે. હાલમાં સૌથી ઝડપી ટ્રેન નવીદિલ્હી અને વારાણસી વચ્ચે ૧૧ કલાક અને ૩૦ મિનિટમાં સમય કાપે છે. ટ્રેન-૧૮નું નિર્માણ ચેન્નાઈ સ્થિત ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં કરવામાં આવ્યું છે. રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનની દેખરેખ હેઠળ નિરીક્ષણની પ્રક્રિયા યોજવામાં આવી હતી. આ ટ્રેન ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સુરક્ષિત યાત્રા કરી શકે છે. આ ટ્રેનની ગતિ ૨૦૦ કિલોમીટર પ્રતિકલાક સુધી લઈ જવામાં આવશે. અધિકારીઓના કહેવા મુજબ મેટ્રોની જેમ આ ટ્રેન આગામી વર્ષથી શતાબ્દી ટ્રેનોની જગ્યા લઇ લેશે. ટ્રેનમાં ભાડુ શતાબ્દીની સરખામણીમાં ૫૦ ટકા વધારે રહેશે. જાણકાર લોકોનું કહેવું છે કે, શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં એક્ઝિક્યુટીવ અને ચેયરક્લાસના ભાડાથી તેમાં ભાડા ૪૦થી ૫૦ ટકા વધારે રહેશે. ટ્રેન-૧૮માં એક્ઝિક્યુટીવ ક્લાસના ભાડા ૨૮૦૦ રૂપિયાથી લઇને ૨૯૦૦ રૂપિયા રહેશે જ્યારે ચેયરકારનું ભાડુ ૧૬૦૦ રૂપિયાથી લઇને ૧૭૦૦ રૂપિયા રહેશે. આ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજાની સાથે સાથે વાઇફાઇની સુવિધા, જેપીએસ આધારિત સુચના વ્યવસ્થા, મોડ્યુલર શૌચાલયોનો સમાવેશ થાય છે.