આજે તા. ૨૬ જાન્યુ. ના રોજ દેશના ૭૦મા પ્રજાસત્તાક દિન અંતર્ગત ભાવનગર જિલ્લાકક્ષાની ઉજવણી ઉમરાળા તાલુકા મથકે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી જયેશ રાદડીયાની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી.
આ પ્રસંગે મંત્રી જયેશ રાદડીયાએ પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે રાષ્ટ્રગીતના સમુહગાન દરમ્યાન ત્રિરંગો ધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી ત્યારબાદ પોલીસ પરેડ તથા વિવિધ ફ્લોટનું નિરીક્ષણ કરી અને તેમણે જણાવ્યુ હતું કે આજે દેશના ૭૦ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમ માટે ઉમરાળા તાલુકા મથકે આપણે સૌ ભેગા થયા છીએ. તેમણે દેશના મહાપુરૂષો એવાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરને યાદ કર્યા હતા તેમના પ્રત્યે ક્રુતજ્ઞતાનો ભાવ વ્યક્ત કર્યો હતો ભાવનગરના પ્રજાવત્સલ, દયાળુ મહારાજા ક્રુષ્ણકુમારસિંહજીને યાદ કરી તેમની દેશભક્તિને નતમસ્તક વંદન કર્યુ હતું.
આ પ્રસંગે મંત્રીએ ઉમરાળા તાલુકાનાં વિકાસ અર્થે રાજ્ય સરકાર તરફથી રૂપિયા ૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટર હર્ષદ પટેલને અર્પણ કર્યો હતો, મંત્રીએ માત્ર ૦૩ ફૂટ ઉંચાઈ અને ૧૪.૫ કીલોગ્રામ વજન ધરાવતાં તળાજાની નિલકંઠ વિધાલયના વિધાર્થી શ્રી ગણેશ બારૈયા કે જેને સુપ્રીમ કોર્ટના આદેશથી એમ. બી. બી. એસ. નો અભ્યાસ કરવા માટે પ્રવેશ મળેલ છે તેનું સન્માન કર્યુ હતુ.માન. મંત્રી દ્વારા વિશિષ્ટ સિદ્ધિ ધરાવતી શાળા, ખેલાડી તથા શિક્ષકોનુ સન્માન કરાયુ હતુ, પરેડ, ટેબ્લો તથા સાંસ્ક્રુતિક કાર્યક્રમના વિજેતાઓને તથા ભાગ લેનાર સંસ્થાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
પોલીસ વિભાગ દ્વારા અશ્વ શો નિદર્શન કરવામાં આવ્યુ હતુ,મીશન ઈન્દ્રધનુષ, ટ્રાફીક એજ્યુકેશન એન્ડ અવેરનેસ, ખેતી, બાગાયતી પાકોની સિદ્ધિ, સ્વચ્છ ભારત મીશન, સૌર ઉર્જા, સ્વરોજગારી, વન્ય સ્રુષ્ટી, જ્ઞાનકુંજ તથા શિક્ષણ, સ્પેશ્યલ ઓપરેશન, ટેકનીકલ સહિતના વિષયે જે તે કચેરી દ્વારા ફ્લોટનું નિદર્શન કરવામા આવ્યુ હતુ. જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો હતો. માન. મંત્રી સહિતના મહાનુભાવોએ વ્રુક્ષારોપણ કર્યુ હતુ.
આ કાર્યક્રમમાં સાંસદ ડો. ભારતીબેન શિયાળ, અગ્રણી પેથાભાઈ આહીર, રેન્જ આઈજી નરસિમ્હા કોમાર, જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસ, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા અયોજન અધિકારી વાઘમશી,જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણ માલ, જિલ્લા શિક્ષણાધિકારી એ. બી. પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.ડી. કણસાગરા,કાર્યપાલક ઈજનેર એચ. કે. દોશી, પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, મામલતદાર રાજેન્દ્ર પટેલ, માર્ગ અને મકાન કચેરીના સુપરવાઈઝર આકાશ ડાભી સહિત સંબંધિત કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, શાળા, મહાશાળાના શિક્ષકો, વિધાર્થીઓ,આમંત્રિત મહેમાનો અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.