જસદણના આટકોટ-ભાવનગર હાઇવે પર જંગવડ ગામ પાસે વહેલી સવારે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાંવતા કાર ડીવાઇડર ટપી રોંગ સાઇડમાં ઘૂસી જતા પલ્ટી મારી ગઇ હતી. ખૂબ જ ગંભીર અને ગમખ્વાર એવા અકસ્માતમાં ચાર સગા ભાઇઓ સહિત કુલ પાંચ વ્યકિતઓના કરૂણ મોત નીપજયા હતા. જયારે અન્ય ત્રણ વ્યકિતને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. જૂનાગઢમાં લગ્નપ્રસંગમાં હાજરી આપી પરિવારજનો પરત ફરી રહ્યા હતા ત્યારે જંગવડ ગામ પાસે આ ગમખ્વાર અકસ્માત નડયો હતો. બનાવને પગલે આટકોટ-ભાવનગર હાઇવે પર થોડીવાર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક આટકોટ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકમાં એક સુરતના, બે લાખાવડના અને બે રંઘોળાના લંગાળા ગામના હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા બે યુવાનો સિહોરના નેસડા ગામના હોવાનું હાલ જાણવા મળ્યું છે. જેમાં મૃતકમાં નિલેશભાઇ અને રાકેશભાઈ તેમજ ભરતભાઇ અને કલ્પેશભાઇ સગા ભાઇઓ હોવાનું જાણવા મળ્યું છે. આમ, આ ગમખ્વાર અકસ્માતમાં ચાર સગા ભાઇઓ અકાળે મોતને ભેટયા હતા. જેને લઇ તેમના પરિવારમાં જાણે આભ તૂટી પડયું હતું. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બહેનનું મામેરૂ ભરી તમામ લોકો લગ્રપ્રસંગમાં હાજરી આપી જીજે ૫ આરબી ૫૬૬૯ નંબરની એરિઆ ગાડીમાં પરિવારજનો પરત ફરી રહ્યાં હતા, ત્યારે જંગવડ ગામ પાસે અકસ્માત સર્જાયો હતો અને ગાડી ડિવાઇડર સાથે અથડાઇ પલટી ખાઇ ગઇ હતી. ચાર લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા.