ભાવનગર જિલ્લાના અલંગ શિપબ્રેકીંગ યાર્ડ નજીક આવેલ ખાડામાં વિકરાળ આગ લાગતા અલંગ, તળાજા અને ભાવનગર ફાયરબ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. અલંગ શિપબ્રેકીંગ યાર્ડ નજીક કઠવા રોડ પર આવેલ રમેશભાઈ ધાંધલ્યાની માલિકીના સદ્દગુરૂ કૃપા ટ્રેડર્સ નામના ખાડામાં કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અલંગ, તળાજા અને ભાવનગર ફાયરબ્રિગેડનો કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. આ બનાવ અંગે ભાવનગર ફાયરબ્રિગેડ ટીમના ઘનશ્યામસિંહ વાળાએ માહિતી આપી હતી. આગની આ ઘટનામાં ખાડામાં રાખેલ માલ-સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો.