સુરતમાં અમરોલી નજીક એક બ્રિજ તૈયાર થઈ જતાં લોકોએ જ બ્રિજનું ઉદ્ઘાટન કરી નાખ્યું. મહત્વનું છે કે આ બ્રિજનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૦ જાન્યુઆરીએ કરવાના હતાં. જો કે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા લોકોએ તૈયાર થયેલાં બ્રિજનું પોતે જ ઉદ્ઘાટન કરી નાખ્યું છે.
આ બ્રિજ છેલ્લાં ૪ વર્ષથી બની રહ્યો હતો અને ટ્રાફિક જામની ખૂબ ભારે સમસ્યા સર્જાતી હતી. પરંતુ બ્રિજ તૈયાર થઈ જતાં લોકોએ નેતા દ્વારા બ્રિજનું લોકાર્પણ થાય તેની રાહ જોયા વગર પોતાની મુશ્કેલીનું સમાધાન શોધી લીધું અને બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ કરી દીધો છે. ત્યારે મહત્વનું છે કે અમરોલી વિસ્તારમાં બનાવવામાં આવેલા આ બ્રિજ પરની ગર્ડર પણ તૂટી છે.
થોડાંક સમય પહેલાં બનાવવામાં આવેલા આ બ્રિજ પરની ગર્ડર તૂટતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ૨ લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.
આ ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. નવનિર્મિત બ્રિજ પરની ગર્ડર તૂટતાં લોકોમાં ભારે રોષ જોવાં મળ્યો છે.
આ બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે