આંગળવાડી આગળ દસ દિવસથી કરાયેલા ખાડા પરથી ભૂલકાઓ જોખમી રીતે પસાર થાય છે

807

કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલી આંગણવાડી આગળ છેલ્લા દસ દિવસથી દીવાલ કરવા માટે ખાડા કરાયા છે. ત્યારે મંથરગતિએ કામ ચાલતું હોવાથી આંગણવાડીએ જતા બાળકો હાલાકી માં મુકાયા છે. પડવાની બીકે કેટલાક વાલીઓ તો પોતાના બાળકોને મોકલતા પણ નથી.

કલોલના પૂર્વ વિસ્તાર કલ્યાણ બેન્કની સામે આવેલી આંગણવાડી આગળ જ છેલ્લા દસ દિવસથી કંમ્પાઉન્ડ વોલ બનાવવા માટે ખાડા કરાયા છે જેના લીધે આંગણવાડીમાં જઇ શકાય તેવી સ્થિતિ નથી. કામચલાઉ ધોરણે બાળકોને અવર – જવર કરવા માટે  ખાડા ઉપર પાટીયા મુકાયા છે. જેથી બાળકો પાટીયા ઉપરથી આંગણવાડીમાં પ્રવેશે છે. જેથી અકસ્માતનો ખતરો તો રહેલો જ છે ત્યારે અકસ્માતના ડરે કેટલાક વાલીઓ તો પોતાના બાળકને મોકલતા જ નથી. જેથી બાળકોના શિક્ષણ ઉપર પણ વિપરીત અસર પડે છે. તંત્રને રજૂઆત કરાઇ હોવા છતાં પણ હજી સુધી ઝડપી કામગીરી કરવામાં આવતી નથી. દીવાલના પાયા માટે ખોદેલો ખાડો ઊંડો હોવાથી તેમાં પડી જવાની શક્યતા છે. એક તરફ સરકાર બાળકોના શિક્ષણ માટે આંગણ વાડીઓ ચલાવે છે ત્યારે અહીં તો ઉલ્ટી ગંગા છે.

ઘણા સમયથી ખૂબ જ ધીમી ગતિએ કામ ચાલતું હોવાથી વાલીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠયાં છે,પણ તંત્રના પેટનું પાણીય હાલતું નથી. બાળક ખાડામાં પડી જશે અને ઇજાઓ થશે તો તેના માટે જવાબદાર કોણ, અકસ્માત સમયે તંત્ર પણ હાથ ઊંચા કરી દેતું હોય છે. જેથી બાળકોનું ભવિષ્યના બગડે તે માટે અહીં યુદ્ધના ધોરણે કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી કરવામાં આવે તેવી વાલીઓની પણ માંગણી છે.

Previous articleવૃક્ષપ્રેમી કોર્પોરેટરનું ટ્રી-ગાર્ડ ફરી ઉપયોગમાં લેવા અભિયાન
Next articleહરિયાણા ભવનનો વિરોધ, જમીન બચાવવા માટે આદિવાસીઓની મહા રેલી