કેવડિયા ખાતે નિર્માણ પામી રહેલા હરિયાણા ભવનનો સ્થાનિક આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે.
જમીન બચાવવા માટે અને પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં બીટીએસ સંગઠન દ્વારા આજે કેવડિયાથી રાજપીપળા સુધી મહા રેલી નીકળી હતી. રાજપીપળા ખાતે પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. જય આદિવાસી અને આદિવાસી અત્યાચાર સામે ન્યાયના સુત્રોચ્ચારો સાથે નીકળેલી રેલીમાં આખુ કેવડિયા ગામ ઉમટી પડ્યું હતું.
રેલીને લઇને કેવડિયા અને રાજપીપળામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે દેશના ૩૩ રાજ્યોના ભવનો બાંધવાનું આયોજન કર્યું છે. જેમાં આદિવાસીઓની જમીનો આ ભવનોમાં જતી હોવાથી તેનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. ગત ૧૯ જાન્યુઆરીએ હરિયાણા ભવનના ખાતમૂર્હુત સમયે કેવડિયાના લોકોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. અને ગામ લોકોએ પથ્થપમારો કર્યો હતો. સામે પોલીસે પણ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસે કરેલી કાર્યવાહી મામલે આજે આદિવાસી સંગઠનોએ કલેક્ટરને રજૂઆત કરી હતી.