સૌરાષ્ટ્રના પ્રખ્યાત પીરાણા પાળીયાદની સુપ્રસિદ્ધ જગ્યા “વિહળધામ” ના મહંત પૂજનિયા નિર્મળાબાને પ્રયાગરાજ, કુંભ મેળા દરમિયાન નિર્મોહી અખાડા દ્વારા ૧૦૦૮ મહામંડલેશ્વરની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા.આ પાવન મંગલ પ્રસંગે પૂજ્ય મોરારીબાપુની વિશેષ અને પ્રેરક ઉપસ્તિથિ રહી. નિર્મોહી અખાડાના આચાર્ય રાજેન્દ્રદાસજી, ચારે અખાડાના આચાર્યો, ત્રણ અણીના મહંતો, આચાર્યગણ, સચિવગણ, પદાધિકારીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવકગણ સમક્ષ આ ઉત્સવ સંપન્ન થયો.
આ પ્રસંગે મોરારીબાપુએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતાં જણાવ્યું કે માનસમાં તુલસીદાસજીએ એક ક્રાંતિકારી કદમ ભર્યુ છે, જ્યાં સહુ પ્રથમ માતૃ શરિરા વાણીની વંદના કરીને પછી ગણેશજીની વંદના કરી છે. અહીં પણ નિર્મોહી અખાડાએ જે કોઈ નિયમ હોય તેમાં બાંધછોડ કરીને આજે એક માતાને મહામંડલેશ્વરની પદવી અર્પણ કરી છે. નિર્મળાબા ને આ સન્માન મળે એવી પ્રયાગરાજ ની મરજી હતી. કારણકે રાજાની દ્રષ્ટિમાં કોઈ માટે કોઈ ભેદ હોતા નથી. બાપુ એ કહ્યું કે પોતે તો અહીં “સંગમ” ઉપર કથા ગાન કરે છે. નિર્મોહી અખાડાએ તો સંગમ કરી બતાવ્યો છે. આજે સર્વ સંમતિથી આ ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે. એક મહિલાને મહામંડલેશ્વરની પદવી એનાયત કરવામાં આવી રહી છે.નિર્મળાબા તો જાજું બોલ્યા વગર મૂક સેવા કરે છે, પણ પ્રયાગરાજ ચૂપ ન રહી શક્યા. પાળીયાદમાં સાધુસેવા, જનસેવા, આખરી માણસ સુધીના સહુની સેવા થાય છે ત્યાં માતા ની વંદના થાય એ યોગ્ય જ છે.
પ્રયાગ એક એવું સ્થળ છે, જે તરત જ ફળ આપે છે. અહીં પુરો સાધુ સમાજ છે એ જ મારો કુંભ છે, એ જ પ્રયાગ છે એવું અહીં આવતાં જ મેં અનુભવ્યું. સાધુ સંગ તરત જ પરિણામ આપે છે એ મેં આ કુંભમાં અનુભવ્યું. કારણકે મારા સૌરાષ્ટ્રમાં બે સ્થાને મહામંડલેશ્વરની પદવી પ્રાપ્ત થાય છે. બાપુ એ કહ્યું કે પોતે માત્ર સૌરાષ્ટ્રના નહીં પણ સમગ્ર વિશ્વના છે. પોતે સંકીર્ણ નથી છતાં મૂળને ભૂલી શકે નહીં. તેથી અખેગઢના “શ્રી ગુરુ હરિ ધામ ના મહંત માર્ગી સાધુ વસંતબાપુને અને પાળીયાદ વિહળધામના મહંત નિર્મળાબાને મહામંડલેશ્વર બનાવાયા છે. આ સાધુ સંગનું પ્રગટ પરિણામ છે. બાપુ એ જણાવ્યું કે પોતે પાળીયાદની જગ્યાની શાલિનતા, મર્યાદા, શૂરવીરતા, સેવાભાવને અનુભવ્યો છે. કાઠી સમાજ સૂરજની – ઉજાસની છાયામાં રહે છે. પાળીયાદમાં રામજીની વંદના થાય છે અને માનસની ઉપાસના થાય છે, પૂરી વૈષ્ણવ પરંપરાનું પાલન થાય છે. અહીં અપાયેલ પદની ગરિમા જળવાશે, એટલું જ નહીં સવાઈ ગરિમા જળવાશે. સર્વ સંમતિથી લેવાયેલા આ નિર્ણય બદલ બાપુએ સાધુવાદ સાથે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.