માનવતાના મુલકમાં સંવેદનાનો સમ્રાટ રાજ કરે છે

1364

ભાવપુરની ભાગોળમાં આજે માનવ મહેરામણ ઉમટી રહ્યો હતો. હૈયેહૈયું દળાય તેમ લોકો ટોળે વળી ભાવપુરની ભાગોળ તરફ આવી રહ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી મોટાભાગના પ્રદેશોના ખેતરો અતિ કે અનાવૃષ્ટિના કારણે ખેડી શકાયા નહોતા. સર્વત્ર અનાજ-પાણી પશુઓ માટે ઘાસચારાની મોટી સમસ્યા સર્જાઈ હતી.

ભાવપુરનાં ભવરલાલ સઘળા ઉપાય સાથે આજે સજ્જ થઈ નગરની બરોબર વચ્ચે આવીને ઊભા હતા. તેમના તરફથી લોકોની જરૂરિયાત મુજબ અનાજ-પાણી અને પશુઓ માટે ઘાસચારાની સગવડ કરવામાં આવી હતી. આ બધું મેળવવા લોકો પડાપડી કરી રહ્યા હતા.

ભવરલાલ મુશ્કેલીમાં આવેલા લોકોને મદદ કરી તેના ગુરુના મળેલા આશીર્વાદ મુજબ આજે માનવતાના કાર્યને સફળતાપૂર્વક પાર પાડવા ઈચ્છતા હતા. ગુરુજી ભવરલાલને નિયમિત રીતે ગુરુઆશ્રમમાં દુઃખી લોકોની સેવા કરવા ઉપદેશ કરતા. છેલ્લા ૩૨ વર્ષથી ભેખ ધારણ કરનાર તેમના ગુરુજી સંસ્કૃત પાઠશાળામાં ભણી ગુરુઆશ્રમના મુખ્ય આચાર્યપદે નિયુક્ત થયા હતા. તેમના વડપણ નીચે અન્ય ધર્મઆશ્રમના અનેક ઋષિ-મુનિઓ અને આચાર્યો વિદ્યા મેળવી રહ્યા હતા. ભવરલાલ પણ એમાંનો એક શિષ્ય હતો. પિતા મનસુખલાલ નગરશેઠ હતા. તેમને મોટી પેઢી હતી. દરિયાઈ માર્ગે દરિયાપારના દેશો સાથે તેમનો વેપાર ચાલતો હતો. તેથી તેમની પાસે અનેક મૂલ્યવાન ચીજવસ્તુઓ અને કિંમતી રત્નોનો ભંડાર હતો. સોના-ચાંદી, હીરા-માણેક, મોતી માટે તેમની પાસે આજુબાજુના રાજ્યોના રાજા-મહારાજાઓ અવાર-નવાર આવતા. કોઈવાર આવી કિમતી ચીજ માટે તેને રાજા-મહારાજા તરફથી જર-જમીન, ઝવેરાત વગેરે પણ ભેટમાં મળતા રહેતા હતા. આથી ભવરલાલના પિતા મનસુખલાલ જમીનદાર તરીકે પણ જાણીતા બન્યા હતા. પરંતુ ભવરલાલને આ સ્થૂળ સંપત્તિમાં કોઈ રસ પડતો નહોતો. તેથી તે ગુરુજીની નિશ્રામાં રહી મોટા ભાગનો સમય પસાર કરવાનું પસંદ કરતા. પરંતુ થોડા સમય પહેલા ભવરલાલના પિતા એટલે કે નગરશેઠ મનસુખલાલનું તીવ્ર હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ થતા, ભવરલાલ આ સઘળી સંપત્તિ લોકોના કલ્યાણ માટે લોકોને અર્પણ કરી દીક્ષા ધારણ કરવા ઇચ્છતા હતા. કારણકે સ્થૂળ સંપત્તિ તેમના માટે ફૂટેલા કાચના ટુકડા બરાબર હતી. આજે નગરમાં ભવરલાલની ઉદારતા વિશે ચોતરફ ચર્ચા થઈ રહી હતી. “સંતાન હો તો ભવરલાલ જેવા, મનસુખલાલભાઈનું મૃત્યુ સંપત્તિનું દાન કરી ઉજાળી પોતે પણ દીક્ષા લેવા માગે છે, કેટલો મોટો ત્યાગ, મોટી સંપત્તિનો માલિક કરવા તૈયાર થયો છે! આ કોઈ નાનીસૂની વાત નથી. છેલ્લા ઘણા વર્ષોથી આપણા વિસ્તારમાં અનાજનો એક દાણો કે ઘાસનું તણખલું ઊગ્યું નથી. પણ આજે મનસુખલાલના પરિવારે ખરી માનવતાના દર્શન કરાવી ધરતી પર જાણે ખુદ ઈશ્વર અવતાર ધારણ કરીને આવ્યા હોય તેવો અહેસાસ ભાવપુરની પ્રજાને કરાવ્યો છે. ધન્ય છે મનસુખલાલના પરિવારને.”

આમ તો ભાવપુર આજુબાજુના ૧૦૦ રાજ્યોમાં સૌથી નાનું રાજ્ય હતું. પરંતુ ભવરલાલની ઉદારતાના કારણે તેને મોખરાનું રાજ્ય ગણવામાં આવતુ હતું. કારણ કે, કોઈ પણ રાજ્યની કિંમત તેના વિસ્તારના આધારે કે તેની પાસે રહેલી સંપત્તિના આધારે આંકવાને બદલે રાજ્યમાં રહેલા નાગરિકોની ઉદારતા, માનવતા, શિક્ષણ જેવા ગુણોથી આંકવી જોઈએ. આજે ભાવપુર રાજ્ય તેમાં એક ડગ આગળ હતું અને તે પણ મનસુખલાલના પરિવારના કારણે. એટલે જ કહેવાનું મન થાય કે સમ્રાટ કહેવો હોય તો સંવેદનાનાં ધનીને કહેવો જોઈએ. સંવેદના કોઈ પેઢી, ઓફિસ, બેંક કે દુકાનમાં મળતી નથી. તે તો મળે છે માનવીના મુલકમાંથી. આ મુલક પ્રત્યેક વ્યક્તિ પોતાના હૈયામાં ઊભો કરી શકે છે. નકારાત્મક અંતરાયોને ઓળંગી આ મુલકમાં યાત્રા કરી શકાય છે. જેના માટે જો કે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરેની જરૂર નથી, જરૂર છે માત્ર સંવેદનાની. જેની પાસે સંવેદનાની મૂડીનો અનમોલ ખજાનો છે, તે જ ‘આ ધંધા-વ્યવસાય’માં આગળ વધી શકે છે. આના માટે સ્થૂળ સંપત્તિનું કોઈ મૂલ્ય નથી. આપણે જોયું ભવરલાલ માટે હીરા, માણેક, મોતી આદિ કાચના ટુકડાની બરાબર હતા. જ્યારે ભુખ્યાને અન્ન, તરસ્યાને પાણી, પશુઓને ઘાસ ભવરલાલ માટે ઈશ્વરની ખરી પ્રાર્થના હતી. આપણે મંદિર, મસ્જિદ, ગિરજાઘરમાં ઈશ્વરને શોધવા જેટલો સમય બરબાદ કરીએ છીએ તેના દસમા ભાગ જેટલો સમય આવા લોકોની સેવા માટે આપીએ તો પણ આપણે સાચી માનવતાને પામી ઈશ્વરને રીઝવી શકીએ.

પરંતુ આપણે આ બધું કરી શકતા નથી. કારણ કે, ઈશ્વરે આપણને બુદ્ધિરૂપી મહાદાન આપ્યું. પરંતુ બુદ્ધિને સંચાલિત કરવાની શક્તિ આપણે જાતે જગાડવી પડતી હોય છે અને તે શક્તિ માનવતા-રૂપી ગુણમાંથી પ્રગટે છે. આ ગુણ પ્રાપ્તિના બદલે આપણે આપણામાં અવગુણ દિન-પ્રતિદિન વધારી બુદ્ધિના શસ્ત્રને બુઠ્ઠું કરીએ છીએ. કૉમ્પ્યૂટરમાં ટાઈપ થયેલી માહિતીને પ્રિન્ટરમાં પ્રિન્ટ કરવા જેમ તેના ડ્રાઇવરની જરૂર પડે છે, તેમ બુદ્ધિરૂપી ધનનો ઉપયોગ કરવા સંવેદનારૂપી ડ્રાઇવરની જરૂર પડે છે. જેમાં સંવેદનાનું ઇન્સ્ટોલેશન થયું નથી તેવા મનુષ્યો બે હાથ-પગ, મોઢું જેવા અંગો ધરાવતા હોવા છતાં ખરા અર્થમાં માણસ બની શકતા નથી. એટલે જ કહી શકાય-’

વિવિધ રંગી ચિત્ર મારુ;

ડાઘથી ખરડય છે,

પાંદડીઓ પુષ્પ તણી;

ખીલ્યા વિના જ કરમાય છે. વિવિધ રંગી…

પાનપરાગ ને પીવા દારૂ;

જાણે શોખ મારો જણાય છે,

કોમકોમના આપણ ભારુ;

શાને રક્ત રેલાય છે!               વિવિધ રંગી…

તાબે સઘળું કરવા સારુ;

કાવા દાવા ખેલાય છે,

લખી ગઝલ આ ગાવા સારુ;

બસ ‘ઝગમગ’ કલમ અહીં જ રોકાય છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleહું મોહક બોલ્ડ રોલ શોધી રહી છુંઃહર્ષલી ઝાઇન