પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મંગળવારે એનસીપીના સુપ્રીમો શરદ પવારની હાજરીમાં અમદાવાદ ખાતે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપી)માં જોડાઇ ગયા છે. અમદાવાદમાં હોટલ ઉમેદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બાપુએ વિધિવત રીતે એનસીપીનો ખેસ ધારણ કરી લીધો છે. આ કાર્યક્રમમાં શરદ પવાર ઉપરાંત એનસીપીના સાંસદ પ્રફુલ પટેલ, કુતિયાણા બેઠક પરથી એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા તેમજ એનસીપીના કાર્યકરો હાજર રહ્યાં હતા.
૧૮ મહિના બાદ એનસીપીમાં જોડાયેલા બાપુ સક્રિય રાજનીતિ શરૂ કરી છે. શંકરસિંહે કહ્યું કે, આરબીઆઈ, ઈલેક્શન કમિશન, સીબીઆઈ, સીવીસી, સીએચએનું પણ માલૂમ છે. લોકશાહીનું ગળુ દબાવવવાનું બીજેપીનું જે ષડયંત્ર છે, ત્યારે મને લાગ્યું કે આવી રીતે ઈનએક્ટિવ રહેવું યોગ્ય નથી. ગુજરાતી જનતાએ મને વોટ આપ્યા છે. તેઓએ મને જે પ્રેમ આપ્યો છે, તે પરત આપવા માટે હું એનસીપીમાં આવ્યો છું. આગામી દિવસોમાં હું દેશમાં યુપીએ-૩ ટાઈપની એન્ટી-બીજેપી ગર્વમેન્ટ જોઈ રહ્યો છું. તેમાં અમારો રોલ ગુજરાત અને ગુજરાત બહાર જેટલો પણ અમે વધારીશું. ગર્વમેન્ટ ક્રુઅલ, કરપ્ટ છે. દેશની જનતાને પાંચ વર્ષનો જે અનુભવ થયો છે, તેનાથી લોકો કંટાળી ગયા છે. તેઓ ઈચ્છે છે કે સરકાર જતી રહે. ખેડૂત આત્મહત્યા કરે છે. નોટબંધી, જીએસટીથી બિઝનેસ કમ્યુનિટી કંટાળી છે. લોકોને બીજેપીના શાસનમાંથી બચાવવા છે.
શરદ પવારે શંકર સિંહને પાર્ટીની એપ્લિકેશનમાં સભ્યપદ ભરી પાર્ટીનો ખેસ પહેરાવ્યો હતો. ત્યારે હવે શંકર સિંહ વાઘેલાને નેશનલ જનરલ સેક્રેટરીનો કાર્યભાર સોંપાશે. આ પ્રસંગે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે, ગુજરાતમાં સંગઠનની જવાબદારી અમારા સાથીઓ નિભાવી રહ્યા છે. એમના સહયોગમાં હવે શંકરસિંહ જેવા વરિષ્ઠ નેતા અમારી સાથે છે. જેથી હવે અમારા કાર્યકર્તાઓનો જુસ્સો વધશે. ગુજરાતમાં તો તેમનું માર્ગદર્શન મેળવશે જ, પણ રાષ્ટ્રીય સ્તર પર પણ એમનો લાભ મેળવીશું.
અને એમણે પણ આ માટે તૈયારી બતાવી છે. ફક્ત રાજ્યમાં નહિ, અન્ય રાજ્યોમાં પણ તેમના જોડાવાથી ફરક પડશે. દેશની સ્થિતિમાં નોન બીજેપી પાર્ટીઓ સાથે કેવી રીતે મળીને કામ થઈ શકે એનો અમારો પ્રયાસ છે. અમે નોન બીજેપી લિડર્સ કોલકાતામાં ભેગા થયા. એક વિકલ્પ તરીકે અમે વાત અને ચર્ચા કરી. નેશનલ લેવલ પર એક ઑલ્ટરનેટિવ આપવાની જવાબદારી અમને લાગે છે. પ્રત્યેક રાજ્યની સ્થિતિ અલગ છે, જેમ કે તામિલનાડુમાં ડીએમકેને અમે સપોર્ટ આપીશું.