હિમાલિયન વિસ્તારમાં હિમવર્ષા તથા રાજસ્થાન સહિતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલના પરિણામ સ્વરુપે અમદાવાદ સહિત ગુજરાતમાં પણ કોલ્ડવેવની સ્થિતિ વચ્ચે હાલત કફોડી બનેલી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હાલત કફોડી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં પારો સતત ઘટી રહ્યો છે. આગામી ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ વધારો થશે નહીં પરંતુ ત્યારબાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. આજે અમદાવાદમાં શહેરમાં પારો ૯.૬ ડિગ્રી રહ્યો હતો જ્યારે ડિસામાં ૭.૨, ગાંધીનગર ૮.૫, વીવીનગરમાં ૯.૧, વડોદરામાં ૯, વલસાડમાં ૮.૬ અને નલિયામાં પારો ૭.૧ ડિગ્રી રહ્યો હતો. લોકોને ઠંડીથી રાહત મળી રહી નથી. હવામાન વિભાગ તરફથી કોલ્ડવેવની કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી પરંતુ હાલત કફોડી બનેલી છે. આજે દિવસ દરમિયાન લોકો ગરમવસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ઉત્તર ભારતની સાથે સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદના પરિણામ સ્વરૂપે ફરી એકવાર ખેડુતો અને સામાન્ય લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા અને ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું પરંતુ હવે કમોસમી વરસાદમાં બ્રેકની સ્થિતિ છે પરંતુ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૯.૬ ડિગ્રી રહ્યું હતું.અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ ઠંડા પવનો ફુંકાયા હતા. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે પારો ૧૧ ડિગ્રી રહી શકે છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ગઇકાલની સરખામણીમાં ઘટ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાતિલ ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે. બીજી બાજુ રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારે કમોસમી વરસાદ પડતા જોરદાર ઠંડી પ્રવર્તી રહી છે જેની અસર અહીં પણ જોવા મળી રહી છે. સવારમાં અને મોડી રાત્રે જોરદાર ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. કોલ્ડવેવની કોઇ ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી નથી જેથી આંશિક રાહત મળી છે. દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. વહેલી સવારે કામ ઉપર જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ફરી એકવાર લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇ ગયા છે. સવારમાં અને મોડી સાંજે ઠંડીના ચમકારા વચ્ચે બપોરના ગાળામાં લોકોને આંશિક રાહત મળી રહી છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૧૦થી નીચે પહોંચ્યો હતો. લોકોને હાલ ઠંડીનો અનુભવ કરવો પડશે.